નવી દિલ્હી: રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી વક્ફ બોર્ડની ભરતી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને 7 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ખાને જેલની અંદર ઇલેક્ટ્રિક કેટલ અને ગ્લુકોમીટર લાવવાની પરવાનગી માંગી હતી, જેના પર કોર્ટે જેલ પ્રશાસન પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. કોર્ટ અમાનતુલ્લા ખાનની આ અરજી પર 25 સપ્ટેમ્બરે સુનાવણી કરશે.
તબીબી રેકોર્ડ રાખવાની મંજૂરી: આજે ન્યાયિક કસ્ટડી દરમિયાન અમાનતુલ્લાહ ખાને પોતાનો મેડિકલ રેકોર્ડ પોતાની પાસે રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે અમાનતુલ્લાને પોતાનો મેડિકલ રિપોર્ટ પોતાની પાસે રાખવાની મંજૂરી આપી હતી. આજે અમાનતુલ્લા ખાનની ન્યાયિક કસ્ટડી સમાપ્ત થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 9 સપ્ટેમ્બરે કોર્ટે અમાનતુલ્લાને આજ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતાં. કોર્ટે અમાનતુલ્લા ખાનને 6 સપ્ટેમ્બરના રોજ 9 સપ્ટેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે અમાનતુલ્લા ખાનને 2 સપ્ટેમ્બરના રોજ 6 સપ્ટેમ્બર સુધી ED કસ્ટડીમાં મોકલ્યા હતાં. EDએ 2 સપ્ટેમ્બરે અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી હતી.
અમાનતુલ્લા ખાન મુખ્ય આરોપી: સુનાવણી દરમિયાન EDએ કહ્યું હતું કે અમાનતુલ્લા ખાન દિલ્હી વક્ફ બોર્ડની ભરતી અનિયમિતતામાં મુખ્ય આરોપી છે. આ કેસમાં ચાર લોકોની પહેલા જ ધરપકડ કરવામાં આવી છે, જેઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. EDએ કહ્યું હતું કે, "અમાનતુલ્લા ખાને તપાસમાં સહકાર આપ્યો ન હતો. EDએ 14 સમન્સ જારી કર્યા હતા પરંતુ માત્ર એકમાં જ તેઓ હાજર થયા હતા અને તે પણ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર. EDએ અમાનતુલ્લા ખાન પર તપાસને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. EDના જણાવ્યા અનુસાર અમાનતુલ્લા ખાન, ગુનાહિત પ્રવૃતિઓથી ઘણી સંપત્તિ મેળવી છે અને EDના જણાવ્યા મુજબ, ઘણા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે તે મની લોન્ડરિંગના ગુનામાં સામેલ હતા.
તમને જણાવી દઈએ કે, ઈડીએ 9 જાન્યુઆરીએ ચાર્જશીટ દાખલ કરી હતી. લગભગ પાંચ હજાર પાનાની ચાર્જશીટમાં EDએ જાવેદ ઈમામ સિદ્દીકી, દાઉદ નાસિર, કૌસર ઈમામ સિદ્દીકી અને ઝીશાન હૈદરને આરોપી બનાવ્યા છે. ઇડીએ પાર્ટનરશિપ ફર્મ સ્કાય પાવરને પણ આરોપી બનાવ્યો છે. ED અનુસાર, આ મામલો 13 કરોડ 40 લાખ રૂપિયાની જમીનના વેચાણ સાથે સંબંધિત છે. ED અનુસાર, AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન દ્વારા અજ્ઞાત સ્ત્રોતોમાંથી અધિગ્રહણ કરવામાં આવેલી સંપત્તિમાંથી જમીનો ખરીદવામાં આવી હતી અને વેચવામાં આવી હતી.
આરોપી કૌસર ઇમામ સિદ્દીકીની ડાયરીમાં 8 કરોડ રૂપિયાની એન્ટ્રી કરવામાં આવી છે. જાવેદ ઈમામે આ મિલકત વેચાણ ડીડ દ્વારા મેળવી હતી. જાવેદ ઈમામે આ પ્રોપર્ટી 13 કરોડ 40 લાખ રૂપિયામાં વેચી હતી. આ માટે ઝીશાન હૈદરે જાવેદને રોકડ રકમ આપી હતી. આ મામલે સીબીઆઈએ અગાઉ કેસ નોંધ્યો હતો. CBI દ્વારા નોંધાયેલા કેસમાં AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાન સહિત 11 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.