નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેજરીવાલ સરકારના કેબિનેટમાં મંત્રી રહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ કોંગ્રેસમાં જોડાયા છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. તેઓ પાર્ટીના સ્થાપક સભ્યોમાં સામેલ હતા અને તેમને દલિત નેતા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ, છેલ્લા બે વર્ષમાં જે રીતે પક્ષે ધર્માંતરણના મુદ્દે તેમને બાજુ પર રાખ્યા હતા, તેનાથી તેઓ એકલા પડી ગયા હતા. હાલમાં તેઓ પૂર્વ દિલ્હીની સીમાપુરી વિધાનસભાથી ધારાસભ્ય છે.
રાજેન્દ્ર પાલ ગૌતમ કોંગ્રેસમાં જોડાયા : ઓક્ટોબર 2022માં એક કાર્યક્રમમાં ધર્માંતરણ મુદ્દે રાજેન્દ્ર પાલ ગૌતમ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ પાર્ટીની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસો બાદ રાજેન્દ્ર પાલ ગૌતમે દિલ્હી સરકારના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના સ્થાને પાર્ટીએ પટેલ નગરના ધારાસભ્ય દલિત નેતા રાજકુમાર આનંદને મંત્રી બનાવ્યા હતા. પરંતુ રાજકુમાર આનંદે પણ લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું અને બસપામાં જોડાઈ ગયા. જોકે આ પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.
#WATCH | Rajendra Pal Gautam says, " ...unfortunately, we can see a rise in religious and caste frenzy in the last 10 years. riots are breaking out and dalits, backwards and minorities are being oppressed. at such a time, rahul gandhi gave a slogan during bharat jodo yatra - main… https://t.co/GTWLkI5jdM pic.twitter.com/8GuR4vZeDZ
— ANI (@ANI) September 6, 2024
કોણ છે રાજેન્દ્ર પાલ ગૌતમ ? આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમ દિલ્હીના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેમની પાસે સમાજ કલ્યાણ વિભાગ, SC અને ST, ગુરુદ્વારા ચૂંટણી, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર વિભાગ હતા. રાજકારણમાં આવતા પહેલા રાજેન્દ્ર પાલ ગૌતમ કાયદાની પ્રેક્ટિસ કરતા હતા. 2014માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ 2015 ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સીમાપુરી મતવિસ્તારમાંથી 48,885 મતોના માર્જિનથી જીત્યા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ધર્મ પરિવર્તનની તરફેણમાં રહ્યા : ઓક્ટોબર 2020માં ગાઝિયાબાદમાં ધર્મ પરિવર્તનના એક મામલામાં તેમણે કહ્યું હતું કે, આ ધર્મ પરિવર્તન નથી, પરંતુ ઘર વાપસી છે. ગાઝિયાબાદમાં વાલ્મિકી સમુદાયના લોકો દ્વારા બૌદ્ધ ધર્મ અપનાવવાનો આ કિસ્સો હતો. આ તમામ લોકો અગાઉ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા, જેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારે પણ રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું હતું કે, બૌદ્ધ ધર્મ આપણા જ દેશનો ધર્મ છે. આ તથાગત બુદ્ધનો ઉપદેશ છે. જે લોકો આજે બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યા છે તેઓ પોતાના સમાજમાં પાછા ફરી રહ્યા છે. આ કોઈ સંપ્રદાય નથી, તે તથાગત બુદ્ધનો ઉપદેશ છે, જે મિત્રતા અને ન્યાયની વાત કરે છે.