ઉત્તર પ્રદેશ : જે રીતે સ્નિફર ડોગ સેના અને પોલીસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે, તે જ રીતે હવે રોબોટ ડોગ પણ સેના અને પોલીસ માટે મદદરૂપ સાબિત થશે. IIT કાનપુરની ઇન્ક્યુબેટેડ કંપનીએ દેશનો પહેલો રોબોટ ડોગ તૈયાર કર્યો છે. જેને સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ વગેરે સ્થળોએ સરળતાથી પોતાની સાથે લઈ જઈ શકાય છે.
IIT કાનપુરની ઉપલબ્ધિ : આ રોબોટ એકદમ શ્વાન જેવો દેખાય છે અને તેના જેમ જ કામ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી પર બનેલા આ રોબોટને IIT કાનપુરની મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. રોબોટ ડોગના તમામ ટેસ્ટ પણ સફળ રહ્યા છે. જ્યારે ટેસ્ટિંગ દરમિયાન તેને સામાન્ય શ્વાન વચ્ચે લાવવામાં આવ્યો ત્યારે તમામ શ્વાન ખૂબ જ પરેશાન થઈ ગયા હતા.
રોબોટિક AI ડોગ : એક્સટેરા રોબોટિક્સના કો ફાઉન્ડર અને IIT કાનપુરમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર આદિત્ય પ્રતાપસિંહ રાજાવતે જણાવ્યું હતું કે, પોલીસ અને સેના ઉપરાંત તે ઉદ્યોગ સાહસિકોને પણ મદદ કરશે. જો કોઈપણ ઉદ્યોગ સાહસિક તેના ઔદ્યોગિક એકમમાં કોઈપણ પ્રકારનું નિરીક્ષણ કરાવવા માંગે છે, તો તે આ રોબોટિક ડોગની સરળતાથી મદદ લઈ શકે છે. આ સિવાય આપણે આ ડોગ રોબોટ દ્વારા કોઈને પણ શોધી શકીએ છીએ. તેના કામ માટે તેમાં વિવિધ સેન્સર પણ લગાવવામાં આવ્યા છે.
રોબોટ ડોગની કિંમત શું ? આદિત્યએ જણાવ્યું કે, ડોગ રોબોટ તૈયાર કરવામાં લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો અને કુલ ચાર વર્ષ લાગ્યા છે. હવે IIT પલક્કડે ઓર્ડર આપ્યો છે, જ્યારે ઘણી સુરક્ષા કંપનીઓએ પણ સંપર્ક કર્યો છે. IIT કાનપુરની મોબાઈલ રોબોટિક્સ લેબોરેટરીમાં આ રોબોટ ડોગ તૈયાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં DRDO સાથે પણ અમારી વાતચીત ચાલુ છે. આદિત્યએ કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સરકારી સંસ્થાઓ પણ ડોગ રોબોટનો ઉપયોગ કરે.