ઉત્તર પ્રદેશ : બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં સભ્ય શુચિતા ચતુર્વેદી જ્યારે રાજધાનીના સરકારી બાળ ગૃહમાં પહોંચ્યાં, તો 6 થી 14 વર્ષની વયના બાળકો તેમની સામે રડવા લાગ્યાં. એક બાળકે કહ્યું કે મારે મદરેસામાં નથી ભણવું, મારે ડોક્ટર બનવું છે. મદરેસામાંથી કોઈ ડોક્ટર બની શકતું નથી. આ બાળકો બિહારના અરરિયા અને પૂર્ણિયાના રહેવાસી છે. ગયા શુક્રવારે મૌલવી તેમને ડબલ ડેકર બસમાં સહારનપુરના દેવબંદ લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન માનવ તસ્કરીની શંકાના આધારે પોલીસે બાળકોને બસમાંથી ઉતારીને બાળ ગૃહમાં મોકલી દીધા હતા. હાલમાં અહીં 93 બાળકો આશ્રિત છે.
મદરેસામાં માસૂમોની કરુણ સ્થિતિ : રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડો. શુચિતા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, દેવબંદના મદારુલ ઉલૂમ રફીકિયા અને દારે અરકમ આ બે મદરેસાઓમાં બાળકોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ મદરેસા રજીસ્ટર્ડ નથી. આ મદરેસાના સંચાલકો બાળકોને અનાથ તરીકે બતાવીને ફંડ મેળવતા હતા. તેઓ મોટાભાગે બિહારના બાળકોને તેમના પરિવારમાંથી શિક્ષણ આપવાના નામે લાવતા હતા અને પછી નાના મદરેસામાં પ્રાણીઓની જેમ રાખતા હતાં.
વ્યથા જણાવતા બાળકો રડી પડ્યા : ડો. શુચિતા ચતુર્વેદીએ જણાવ્યું કે, અયોધ્યાથી બચાવેલા બાળકો પોતાના દુઃખ જણાવતા રડી પડ્યા હતાં. બાળકોનું કહેવું છે કે, તેમના માતાપિતા પાસેથી તેમને શિક્ષણ આપવાના નામે લાવ્યા હતા. મૌલવીઓએ પરિવારના સભ્યો પાસેથી લખાવ્યું કે, જો બાળકોનું મૃત્યુ થશે તો તેઓ જવાબદાર રહેશે નહીં. આ સિવાય બીમારીના કિસ્સામાં પરિવારના સભ્યો પૈસા મોકલે ત્યારે જ દવાઓ આપવામાં આવતી હતી.
શિક્ષણ આપવાના નામે છેતરપિંડી : ડો. શુચિતાએ જણાવ્યું કે, આ બાળકોમાં કેટલાક ભાઈબહેન પણ છે અને તે બધા સરકારી શાળામાં ભણતા હતાં. આ દરમિયાન, મદારુલ ઉલૂમ રફીકિયા અને દારે અરકમ મરદસોના મૌલવીઓ તેના ગામ પહોંચ્યા અને તેમના પરિવારના સભ્યોને ફોસલાવી બાળકોને પોતાની સાથે લઈ આવ્યા હતાં.