નવી દિલ્હી : પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) તરફથી સ્પષ્ટ સૂચના મળ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આર્થિક ભાગેડુઓની મિલકત રિકવર કરવાના પ્રયાસો ઝડપી કર્યા છે. અત્યાર સુધીમાં મેહુલ ચોક્સી, નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો અને કેટલીક છેતરપિંડી કરનાર કંપનીઓ પાસેથી રૂ. 22,280 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરવામાં આવી છે.
ભાગેડુઓ પાસેથી 22,280 કરોડ વસૂલ્યા : ED દ્વારા વસૂલ કરેલ નાણાં અને મિલકત પીડિતોને અથવા કાયદેસરના માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે ગૃહમાં જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પીડિત અથવા હકના દાવેદારોને 22,280 કરોડ રૂપિયાની સંપત્તિ પરત કરી છે અને આર્થિક ગુનેગારો સામેની લડાઈ ચાલુ રહેશે.
વિજય માલ્યા પાસેથી 14,131 કરોડ વસૂલ્યા : વર્ષ 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે, ભાગેડુ વિજય માલ્યાની લગભગ 14,131 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આને માઈલસ્ટોન માનવામાં આવી રહ્યું છે.
નીરવ મોદી પાસેથી કેટલી રિકવરી : નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, નીરવ મોદી કેસમાં આશરે રૂ. 1,052.58 કરોડની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી છે, જે ભારતના ઇતિહાસમાં સૌથી મોટા બેંકિંગ કૌભાંડોમાંથી એક સાથે સંકળાયેલી નાણાકીય છેતરપિંડી સામેની લડતમાં નોંધપાત્ર વિજય છે.
મેહુલ ચોક્સી પાસેથી પણ રિકવરી : તેવી જ રીતે મેહુલ ચોક્સી અને ગીતાંજલિ ગ્રૂપની કંપનીઓના કિસ્સામાં લગભગ રૂ. 2,565 કરોડની સંપત્તિની ઓળખ કરવામાં આવી અને તેને પરત કરવામાં આવી હતી. EDએ નાણાં તાત્કાલિક પરત કરવા માટે જાહેર ક્ષેત્રની બેંકો સાથે સહયોગ કર્યો છે.
'અમે કોઈને છોડ્યા નથી' : નિર્મલા સીતારમણ
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "ઇડીએ મહત્વના કેસોમાં ઓછામાં ઓછી રૂ. 22,280 કરોડની સંપત્તિ સફળતાપૂર્વક રિકવર કરી છે. અમે કોઇને પણ છોડ્યા નથી, ભલે તેઓ દેશ છોડીને ભાગી ગયા હોય, અમે તેમની પાછળ છીએ. ઇડીએ આ નાણાં એકત્ર કર્યા અને બેંકોને પરત આપ્યા છે.
વિદેશમાં જમા કાળા નાણાં પર શું કહ્યું ? સાથે જ વિદેશમાં જમા કાળા નાણાં વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર નાણામંત્રીએ કહ્યું કે, 2015ના બ્લેક મની એક્ટની ઘણા કરદાતાઓ પર અવરોધક અસર થઈ રહી છે. તેઓ પોતે તેમની વિદેશી સંપત્તિનો ખુલાસો કરવા માટે આગળ આવી રહ્યા છે. 2024-25 માં વિદેશી સંપત્તિ જાહેર કરનારા કરદાતાઓની સંખ્યા વધીને બે લાખ થઈ ગઈ છે.