વડોદરામાંથી પ્રતિબંધિત હાથી દાંત સાથે 2 ઝડપાયા, એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી - Vadodara News
Published : Jul 11, 2024, 8:37 PM IST
વડોદરાઃ પ્રતિબંધિત હાથી દાંત સાથે યાકુતપુરામાંથી 2 ઈસમોને ઝડપી લેવામાં એસોજી પોલીસને સફળતા મળી છે. વડોદરા શહેરમાં પ્રતિબંધિત અને લાખો રૂપિયાની કિંમત ધરાવતા હાથી દાંતની હેરાફેરી કરતા 2 આરોપીને એસઓજીએ ઝડપી લીધા હતા. આ બંને ઈસમો પાસેથી 2 મોટા પૂર્ણ વિકસિત હાથી દાંત મળી આવ્યા હતા. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરામાંથી આ બંને ઈસમોને હાથી દાંતની હેરાફેરી કરી રહ્યા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી છે. યાકુતપુરા વિસ્તારમાં 2 ઈસમો હાથી દાંતનું વેચવા કરવા માટે આવ્યા હતા. તેઓ ગ્રાહકો શોધી રહ્યા છે.
બંને યાકુતપુરાના રહેવાસીઃ એસોજીએ યાકુતપુરા વિસ્તારમાં વોચ ગોઠવી દિધી હતી અને તે સમયે 2 ઈસમો રીક્ષામાં બેસીને જઇ રહ્યા હતા અને તેમની પાસે હાથી દાંત હતા. જેથી પોલીસે બંનેને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં બંને હાથી દાંતની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું. હાથી દાંત સાથે ઝડપાયેલા ઇરફાન શેખ અને આઝાદ પઠાણ બંને વડોદરાના યાકુતપુરા વિસ્તારનાં રહેવાસી છે. બંને હાથી દાંત વેચવા માટે નીકળ્યા હતા. આ સમયે પોલીસે બંનેને ઝડપી પાડયા હતા અને બંનેને SOG પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા અને બંનેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
SOG પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એસ. પટેલે જણાવ્યું હતું કે પ્રથમિક પૂછપરછ કરતા આ બંને ઈસમોએ હાથી દાંત કોરોનાના સમયે લોકડાઉનમાં એક ટ્રક ડ્રાઈવર પાસેથી લીધા હતા. ફોરેસ્ટ વિભાગને પણ સંકલનમાં રાખીને આ મામલે તપાસ હાથ શરૂ કરવામાં આવી છે.