Unseasonal Rain: અમદાવાદ, ગાંધીનગર, કલોલ, માણસા, દેહગામમાં પવન સાથે વરસાદ ખાબક્યો
Published : Mar 2, 2024, 6:51 PM IST
ગાંધીનગરઃ હવામાન વિભાગે તાજેતરમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અત્યારે તાજી માહિતી અનુસાર અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદ શરુ થયો છે. ગાંધીનગર ઉપરાંત કલોલ, માણસા, દેહગામમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ગાંધીનગરમાં અચાનક હવામાનમાં પલટો થયો છે. ગાંધીનગર જિલ્લામાં પવનની સાથે જોરદાર ઝાપટુ આવ્યું છે. આજે સવારથી વાતાવરણ વાદળછાયું હતું. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોરદાર પવન સાથે ધોધમાર ઝાપટું પડતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. વાતાવરણ પલટાથી ઊભા પાકને નુકસાન થવાની સંભાવના છે. ગાંધીનગર પંથકમાં વરસાદી ઝાપટા બાદ ફરીથી તડકો નીકળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.