મહેસાણાના વડસ્મા ગામની 12000 વસ્તીને થઇ પાણીની સમસ્યા,લોકો થયા પરેશાન - Water problem of Vadasma village
Published : May 29, 2024, 5:38 PM IST
|Updated : May 29, 2024, 5:57 PM IST
મહેસાણા: એક તરફ સરકાર કહે છે કે, ગરમીમાં પાણી વધુ પીવો પરંતુ મહેસાણાના એક ગામની સમસ્યા એવી છે કે, પીવાના પાણીનો બોર બગડતા આકરી ગરમીમાં જ પીવાનું પાણી ભરવા બહાર જવું પડે છે. મહેસાણાના વડસ્મા ગામના ગ્રામજનોને આકરી ગરમીમાં ઘરમાં રહેવાને બદલે પાણી ભરવા બહાર નીકળવું પડે છે. બપોરનો સમય થતા પાણીના ટેન્કરમાંથી પાણી ભરવા માટે મહિલા, પુરુષો, બાળકો અને વૃદ્ધો બધા જ ટેન્કર આગળ લાઈનમાં લાગેલા જોવા મળે છે. આ દ્રશ્ય જોઈને એમ લાગશે કે, મહેસાણાના છેવાડાના કોઈ ગામની પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
12000 લોકોની વસ્તી સામે એક જ પાણીનો બોર
મહેસાણાના લાંઘણજ નજીક વડસ્મા ગામ અત્યારે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સરકાર કહે છે કે, બપોરના સમયમાં આકરી ગરમીથી બચવા બહાર નીકળવું નહીં. આવી ગરમીમાં વધુ ગરમીમાં પાણી વધુ પીવું જોઇએ. પરંતુ અહીં તો ગરમીમાં જો બહાર ના નીકળે તો તરસ્યા મરવું પડે એવી સ્થિતિ વડસ્મા ગામમાં સર્જાઈ છે. વડસ્મા ગામમાં 12,000ની વસ્તી વચ્ચે માત્ર એક જ પાણીનો બોર કાર્યરત છે અને એ પણ બગડી જતા આ પાણીની સમસ્યાનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. અને રોજ પાણીના ટેન્કરો થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગ્રામજનો અને પંચાયતની માગણી છે કે, ગામને બીજો બોર આપવામાં આવે. જેથી એક બોર બગડે તો બીજો બોર કાર્યરત રહે અને પાણીની સમસ્યા ન સર્જાય. બીજો બોર મંજુર થઈ ગયો છે પરંતુ બોર બનાવવાની કામગીરી હજુ શરૂ કરાઈ નથી અને આ વિલંબને કારણે ગરમીના સમયે એક બોર બગડી જતા ગ્રામજનો પાણી વગર હેરાન પરેશાન થઈ રહ્યા છે.