સુરત મનપાએ ભાજપ અગ્રણીની શાળાના ગેરકાયદેસર બાંધકામને સીલ કર્યુ - Surat News - SURAT NEWS
Published : Jun 25, 2024, 3:30 PM IST
સુરતઃ સામાન્ય નાગરિક જો નાનકડું ગેરકાયદેસર બાંધકામ કરે તો પાલિકાના અધિકારીઓ હથોડા લઈ ડિમોલિશન કરવા માટે પહોંચી જતા હોય છે. જો સત્તા પક્ષના લોકો આવું બાંધકામ કરે તો અધિકારીઓ આંખ આડા કાન કરે છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવી જ એક ઘટના ઘટી હતી. ભાજપના નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારી દ્વારા પોતાની અરીહંત એકેડમી સ્કૂલના 3જા અને 4થા માળનું ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવા છતાં પાલિકા અધિકારીઓએ આ ગેરકાયદેસર બાંધકામ સામે આંખ આડા કાન કર્યા હતા. શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલ વાળા દ્વારા ઈન્ચાર્જ પાલિકા કમિશનર અને કલેક્ટરને કરાયેલી લેખિત ફરિયાદ બાદ મોડે મોડે જાગેલ પાલિકાએ અંતે બતાવવા પૂરતી કામગીરી શરૂ કરી છે. પાલિકાએ ભાજપ નેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અનુરાગ કોઠારીની અરિહંત એકેડમી શાળાના 3જા અને 4થા માળને સીલ કર્યુ છે. શાળાના ડિમોલિશન કરવાના બદલે પાલિકા અધિકારીઓએ 1.15 લાખનો વહીવટી ખર્ચ વસૂલ કરી અને નોટિસ પાઠવી સંતોષ માન્યો છે. મહત્વનું છે કે અગાઉ પણ 2 વખત ગેરકાયદેસર બાંધકામ મુદ્દે નોટિસ પાઠવવામાં આવી છે. જ્યાં હાલ હવે પછી ગેરકાયદેસર બાંધકામ નહીં કરવામાં આવે તે પ્રકારની બાહેધરી પાલિકાએ શાળાના ટ્રસ્ટી અનુરાગ કોઠારી પાસે લીધી છે.