સુરતના વરાછામાં ફુલ સ્પીડમાં જતી ST બસ પલટી, ઘટનાનો વીડિયો વાયરલ - ST bus overturned in surat - ST BUS OVERTURNED IN SURAT
Published : Jul 2, 2024, 9:51 AM IST
સુરત: વરાછા વિસ્તારમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગત મોડી રાત્રે વરાછા વિસ્તારના AK રોડ પરથી પસાર થઈ રહેલી મુસાફરોથી ભરેલી એસ.ટી. બસ પલટી મારી જતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતી. મળતી માહિતી પ્રમાણે, ગતરોજ રાત્રે વાપીથી આવતી એક એસટી બસ સુરતથી દાહોદ જઈ રહી હતી. દરમિયાન કિરણ હોસ્પિટલથી અલકાપુરી બ્રિજ પરથી પસાર થયા બાદ નીચે ઊતરતા સમયે બસ ફુલ સ્પીડમાં હતી. દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને રસ્તાની વચ્ચે આવેલા ડિવાઇડર પર બસ ચડાવી દીધી હતી. બસ 10થી 15 ફૂટ સુધી ડિવાઇડર પર ચડી ગઈ હતી અને ત્યારબાદ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત પણ થયા હતા. તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ બસનો ડ્રાઇવર દારૂના નશામાં હોવાની ચર્ચા છે. જો કે, આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.