BJP OBC Morcha holds protest: પાટણમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરાયું - BJP in Patan
Published : Feb 9, 2024, 10:16 PM IST
પાટણ: કોંગ્રેસના રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બક્ષીપંચ સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને આજે પાટણ બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રાહુલ ગાંધીનો વિરોધ દર્શાવી પૂતળા દહન કર્યું હતું.
રાહુલ ગાંધી સામે વિરોધ: રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા દરમિયાન રાયગઢ ખાતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જાતિ મુદ્દે નિશાન સાધી તેઓ જન્મજાત ઓબીસી જ્ઞાતિના નહિ હોવાનું જણાવતા આ મુદ્દો હાલ સમગ્ર દેશમાં વિવાદાસપદ બન્યો છે જેને લઇ ભાજપના કાર્યકરો દ્વારા સમગ્ર દેશમાં રાહુલ ગાંધી વિરુદ્ધ દેખાવો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.
શહેરના બગવાડા દરવાજા ખાતે બક્ષીપંચ મોરચાના આગેવાનો-કાર્યકરો એકત્ર થયા હતા અને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચાર પોકારી દેખાવો કર્યા હતા. ભાજપના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહન માટે પૂતળું લઈને આવતા બંદોબસ્ત તૈનાત પોલીસે પૂતળુ આંચકી લઈ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો. અડધો કલાક બાદ ભાજપના કાર્યકરો ફરી પૂતળું લઈ આવ્યા હતા અને તેને આગ ચાંપી દેખાવો કર્યા હતા.