Mahashivratri 2024 : ભુજનું વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું, મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ - Mahashivratri 2024
Published : Mar 8, 2024, 1:00 PM IST
કચ્છ : આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિત્તે ભુજમાં આયોજીત ભવ્ય શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભુજના રસ્તા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં 20 જેટલા ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યા ભાવિકો નાચતા-ગાતા આ શોભાયાત્રામાં જોડાયા હતા.
ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા : સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભુજમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પારેશ્વર ચોકથી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજે પણ મહાશિવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી. શોભાયાત્રામાં શંકર ભગવાનની મૂર્તિ , શિવલિંગ, દેશભક્તિ, વેશભૂષા અને રામ મંદિર સહિતના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં નાસિક ઢોલ, કચ્છી ઢોલ, ઓરકેસ્ટ્રા, ડીજે અને બેન્ડ બાજા સાથે ભાવિકો શિવભક્તિમાં લીન થઈ જઈને નાચતા-ગાતા હર્ષોલ્લાસભેર શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રા બાદ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું છે.