દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં સવાસો વર્ષોથી જુની પ્રાચીન ગરબીનું આયોજન - NAVRATRI 2024
Published : Oct 13, 2024, 3:30 PM IST
દ્વારકા: જિલ્લાના જામખંભાળિયામાં સવાસો વર્ષોથી જુની પ્રાચીન ગરબીનું આયોજન થાય છે જેમાં બ્રાહ્મણો તેના પરંપરાગત પહેરવેશ એટલે કે ધોતિયું અને પીતાંબર પહેરીને માતાજીની આરાધના કરે છે. જામખંભાળિયામાં આવેલ વારાહી ચોક ખાતે ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ દ્વારા સવાસો વર્ષોથી નવરાત્રિ દરમિયાન ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ દ્વારા ધોતિયું અને પીતાંબર પહેરી માતાજીના વિવિધ છંદ ગાઈને માતાજીની આરાધના કરવામાં આવે છે. જ્યારે અન્ય ગરબીઓમાં ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે અહીં વર્ષો જૂની ગરબીમાં પૌરાણિક રીતે કોઈ પણ જાતના ઇલેકટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કર્યા વિના વર્ષો જૂની પરંપરા જાળવીને બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ દ્વારા સાઉન્ડ સિસ્ટમ વગર માત્રને માત્ર છંદ ગાઈને માતાજીની આરાધના કરી ગરબા રમવામાં આવે છે .