માંગરોળ તાલુકામાં પાણી પુરવઠા યોજનાના અધિકારીઓ સામે ગ્રામજનોનો વિરોધ પ્રદર્શન - mangrol protest - MANGROL PROTEST
Published : May 23, 2024, 6:46 PM IST
સુરત: માંગરોળ તાલુકાના દેગડીયા ગામના લોકો એ પાણીની માંગ ને લઈ મામલતદાર કચેરી ખાતે ખાલી માટલા સાથે દેખાવો કરી વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે આગળ શરત મૂકી કે સાતમાં દિવસમાં પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈ આંદોલન કરવાની વાત કરી છે. વાસ્તવમાં વાત એ હતી કે, વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના અને માંડવી તાલુકાના 68 જેટલા ગામોને પીવાના પાણી માટે રૂપિયા 35 કરોડની બોરસદ દેગડીયા જૂથ પાણી પુરવઠા યોજના મંજુર કરી હતી. આ સમયે પાણીના સંગ્રહ માટે તળાવની જરૂરિયાત ઊભી થતા ડેગડિયા ગામના લોકોએ કાયમી ધોરણે ગામનું તળાવ ભરવાની શરતે તળાવનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી. અને તે સમયે પાણી પુરવઠા યોજનાના અધિકારીઓએ આ શરતો મંજુર રાખી હતી, જેથી પાણી પુરવઠા યોજના સાકાર થઈ શકી હતી. પરંતુ હાલમાં માંડવી તાલુકાના સઠવાવ ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાનું નિર્માણ થતાં યોજના મર્જ કરી દેવામાં આવતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ શરતોનો ભંગ કર્યો છે. અને દેગડીયા ગામના તળાવમાં પાણી ભરતા નથી. જેને કારણે દેગડીયા ગામના કુવા અને બોરમાં પાણી સુકાઈ જતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં મૂકાયા છે. લોકો પાણી વિના ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પાણીની માર્ગને લઈ દેગડીયા ગામની મહિલાઓ અને પુરુષો ધમધકતા તાપમાં માંગરોળ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. અને પાણીના ખાલી માટલા સાથે મામલતદાર કચેરીમાં "પાણી આપો પાણી આપો, તળાવ ભરો"ના સૂત્રોચારો કરી દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ગામના આગેવાનો અતુલભાઇ પટેલ અને ભુપેન્દ્રભાઈ ગામીતની આગેવાની હેઠળ માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને એક આવેદનપત્ર જાહેર કરાયું હતું. જેમાં સાત દિવસમાં બોરસદ ડેગડિયા જૂથ પાણી પુરવઠા યોજનાનું તળાવ પાણી પુરવઠા વિભાગ દ્વારા નહીં ભરવામાં આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. માંગરોળ મામલદાર પાર્થ જયસ્વાલ એ જણાવ્યું હતું કે, "પાણીની સમસ્યામાંથી છુટકારો મળે એ માટે કામગીરી હાથ ધરવામાં આવશે."