Loksabha Election 2024: બારડોલી લોકસભા બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીનો સ્નેહમિલન સમારોહ યોજાયો - Loksabha Election 2024
Published : Mar 20, 2024, 7:39 PM IST
સુરતઃ માંગરોળ તાલુકાના વાંકલ ગામે સુરત જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મનહર પટેલની અધ્યક્ષતામાં કાર્યકરોનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં કાર્યકરોએ બારડોલી લોકસભા બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને જીતાડવા માટેનો સંકલ્પ કર્યો હતો. આ વખતે કૉંગ્રેસે બારડોલી લોકસભા બેઠક ઉપર યુવા નેતા સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. માંગરોળ, ઉમરપાડા તાલુકા સહિત સમગ્ર જિલ્લાના કાર્યકરોમાં આ જાહેરાતથી અનેરો ઉત્સાહ વ્યાપી ગયો છે. ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યકરોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.
ભાજપ પર વાકપ્રહારઃ આ પ્રસંગે ભાજપમાંથી કૉંગ્રેસમાં જોડાયેલા વ્યારાના અરવિંદ ચૌધરીએ ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિ વિરુદ્ધ આકરા વાકપ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભેદભાવ ભૂલી એક થઈ કૉંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાની છે. પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું લોકસભાની ચૂંટણી લડયો ત્યારે માંગરોળમાંથી મને 10,000 મતની લીડ મળી હતી હવે જ્યારે મારો પુત્ર આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યો છે ત્યારે આ લીડ 20,000 મતની હશે તેઓ મને વિશ્વાસ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે, દેશમાં એકમાત્ર કૉંગ્રેસ પક્ષ તમામ સમાજને સાથે લઈને ચાલનારો પક્ષ છે. જેમાં આદિવાસી મુખ્યપ્રધાન બને છે અને દલિતનો દીકરો જિલ્લા કૉંગ્રેસનો પ્રમુખ બને છે.
બંધારણ બદલવાનો આક્ષેપઃ કૉંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું છે. મોંઘુ શિક્ષણ આદિવાસી વિદ્યાર્થીઓ લઈ શકતા નથી. બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે. યુવાનોની નોકરીમાં ભરતી કરવાને બદલે ભાજપ પક્ષમાં ભરતી કરી રહી છે. ભાજપ બંધારણને બદલવા પ્રયાસ કરે છે. તમામ ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ નિવડી છે. જેથી પ્રજાએ હવે ભ્રષ્ટ નીતિવાળી સરકારને બદલવાનું મન બનાવી લીધું છે.
મહાનુભાવોનો મેળાવડોઃ પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત, અજય ગામીત, આમ આદમી પાર્ટી માંગરોળ વિધાનસભા બેઠક ના ઉમેદવાર સ્નેહલ વસાવા, સામજી ચૌધરી, કેસ્મીરા મુનશી, ઈરફાન મકરાણી, શાહબુદ્દીન મલેક સુરેશ વસાવા સહિત અનેક આગેવાનો અને કાર્યકરો સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.