જગન્નાથ રથયાત્રાની સુરક્ષા અને શાંતિ માટે કટીબધ્ધ ગુજરાત પોલીસ, જુઓ પોલીસવડાનો જનતા જોગ સંદેશ - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024
Published : Jul 1, 2024, 7:56 PM IST
અમદાવાદ : જમાલપુર જગન્નાથ મંદિરથી નીકળનારી 147મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. મંદિર, રથયાત્રા રૂટ અને શહેરની સુરક્ષા માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મંદિરના ટ્રસ્ટી અને હોદ્દેદારોની મુલાકાત લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચર્ચા વિચારણા કરી હતી. અમદાવાદ શહેરમાં વરસાદી મોસમ જામી રહ્યો છે. ચાલુ વરસાદે ડી.જી.પી વિકાસ સહાય અને કમિશનર જી.એસ. મલિક પોલીસ કાફલા સાથે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. રથયાત્રાના રૂટ નિરીક્ષણ પહેલા પોલીસવડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, સમગ્ર રથયાત્રા દરમિયાન તેમજ એ પહેલાંના તમામ કાર્યક્રમો વેળાએ પોલીસ એકદમ સતર્ક રહેશે. કોઈપણ અનઇચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત પોલીસ આધુનિક સાધનોથી સજ્જ રહેશે. સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે.