પોતાના કાકાનું ગેરકાયદેસર બાંધકામ બચાવવા, સુરત મનપાની કામગીરીમાં કોર્પોરેટરે ઉભી કરી રુકાવટ - Interruption of corporator
Published : Jun 3, 2024, 7:07 PM IST
સુરત: મનપાને ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરનાર કોર્પોરેટર પોતાના કાકા નું ગેરકાયદેસર બાંધકામનાં બચાવમાં ઉતર્યા સુરતમાં મહાનગરપાલિકાને શહેરનાં ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરનાર કોર્પોરેટર જ પોતાના કાકાનું ગેરકાયદેસર બાંધકામને બચાવી રહ્યા છે. કતારગામ ખાતે આવેલ ગોપાલ દર્શન સોસાયટીમાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવનાં કાકાનું પ્લાન કે મંજૂરી વિનાનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે. જેની ફરિયાદ સ્થાનિકોએ મહાનગરપાલિકાને કરી હતી.ત્યારે મહાનગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આવતા કોર્પોરેટર નરેશ પાંડવે રોકતા અધિકારીઓ ડિમોલિશન કર્યા વગર જ પરત ફર્યા છે.
કોર્પોરેટરે મનપાના અધિકારીઓને રોક્યા
સુરત શહેરના કતારગામ ખાતે શ્રી કુંજ કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટીના રહીશોએ પાલિકા કમિશનરને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું કે, ગોપાલદર્શન સોસાયટીમાં પ્લોટ નંબર-12માં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના કાકા મંજૂર પ્લાન પાસ વગરનું બાંધકામ કરાવી રહ્યા છે. આ બાંધકામ શ્રી કુંજ કો-ઓપરેટિવની નજીકમાં છે.જો ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાય તો તેનું નુકસાન કુંજ કો-ઓપરેટિવ સોસાયટીના લોકોને પણ થાય તેમ છે. તેથી મનપામાં સોસાયટીના રહીશોએ અરજી કરી હતી. જેના આધારે 29 મેના રોજ મનપાની ટીમ ડિમોલિશન માટે આવી ત્યારે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે યેન-કેન પ્રકારથી દબાણ લાવી ડિમોલિશન રોકાવી દીધું હતું.