સસ્તા પ્લોટ ખરીદવામાં 21 સુરતીઓએ 1.14 કરોડ ગુમાવ્યા, પોલીસે આરોપીને દબોચ્યો - સુરત ક્રાઈમ - સુરત ક્રાઈમ
Published : Jun 22, 2024, 8:27 PM IST
સુરત : સસ્તા પ્લોટ ખરીદવામાં 21 સુરતીઓએ 1.14 કરોડ ગુમાવ્યા છે. ન્યુ સીટીલાઇટ, આગમ હેરિટેજ સામે સાઈનાથ બંગલામાં રહેતા 72 વર્ષીય ભુપેન્દ્ર પ્રાણલાલ ઘારીવાલા આંજણા ફાર્મમાં પાવર લૂમ્સનું કારખાનું ધરાવે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, વર્ષ 2014 માં જલાલપોર ખાતે પોસરા ગામમાં આવેલી જમીન પર ચંદ્રેશ કોટડિયાએ સાઈ ફ્લોરા પાર્કના નામથી 29 ખુલ્લા પ્લોટનું આયોજન કર્યું હતું. તે વખતે ચંદ્રેશ ફ્લોરા એન્ટરપ્રાઈઝ ફર્મના નામે જમીન લે- વેચ તથા બાંધકામની ઓફિસ સગરામપુરામાં ગિરધરદ્વાર એપાર્ટમેન્ટમાં ધરાવતો હતો. મોટી-મોટી વાતો કરી વિશ્વાસ કેળવી આરોપીએ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની સ્કીમ સમજાવી હતી. જે અંતર્ગત ભુપેન્દ્ર ઘારીવાલાએ બે પ્લોટના બુકિંગ પેટે 8.35 લાખથી વધુની રકમ ચૂકવી હતી. સાથે જ અન્ય 20 વ્યક્તિઓએ પણ પ્લોટ બુકિંગ પેટે કુલ રૂ. 1.24 કરોડ એડવાન્સમાં ચંદ્રેશ કોટડિયાને ચૂકવ્યા હતા. જોકે, આરોપીએ માત્ર કબ્જા રસીદ આપી વેચાણ દસ્તાવેજ કરવામાં આડોડાઈ કરી હતી. નાણાં પરત માંગ્યા તો 10 લાખ પરત કરીને બાકીના 1.14 કરોડ પરત કરવામાં આનાકાની કરી હતી. આખરે ચિટિંગનો અહેસાસ થતા આ મામલે ફરિયાદ નોંધાવી, જેના આધારે અઠવા પોલીસે ચંદ્રેશ પ્રવિણ કોટડિયા વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો અને ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ શરુ કરી છે.