Ahmedabad News: ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી 20 ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ, મુખ્ય પ્રધાને ક્રિકેટની મજા માણી - ભાવનગર
Published : Jan 27, 2024, 10:25 PM IST
અમદાવાદઃ નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થયો છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે કરાવ્યો હતો. ભુપેન્દ્રે પટેલે ક્રિકેટની મજા પણ માણી હતી. તેમણે બેટિંગ કરી હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્ટ 5 દિવસ ચાલશે જેનું ફોર્મેટ ટી-20 રાખવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ કોર્પોરેશનની મેયર્સ અને કમિશ્નર્સની ટીમો ભાગ લઈ રહી છે. કુલ 16 ટીમો આ ટૂર્નામેન્ટમાં એકબીજા સાથે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં યોગ્ય ઈનામોનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી. ટુર્નામેન્ટના પ્રારંભે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય બાબુ સિંહ જાદવ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દીનેશ સિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી.
ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે. મેયર્સ અને કમિશ્નર્સની કુલ 16 ટીમો ટકરાશે. પાલિકાઓ વચ્ચે સુમેળ સધાય તે માટે આ ટૂર્નામેન્ટ યોજવામાં આવી છે...દેવાંગ દાણી(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન)