Ahmedabad news: અમદાવાદની આરાધના સંગીત એકેડમીમાં યોજાયો 8મો દીક્ષાંત સમારોહ
Published : Feb 6, 2024, 12:47 PM IST
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અમદાવાદની આરાધના સંગીત અકાદમીનો 8મો દીક્ષાંત સમારોહ ગઈકાલે 5મી ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. અમદાવાદના લાયન્સ હોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં 28 વિદ્યાર્થીઓને સંગીત વિશારદ અને 7 વિદ્યાર્થીઓને કંઠ્ય, તબલા, હાર્મોનિયમ, ભરતનાટ્યમ અને કથક નૃત્યમાં સંગીત અલંકારની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ. અંજુ ચાઝોત, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને ડિરેક્ટર, જોરાવરસિંહ જાદવ, દિલ્હી સંગીત નાટક એકેડમીના ઉપાધ્યક્ષ, ગુરુ ડૉ. પ્રદિપ્તા ગાંગુલી અને આરાધના સંગીત એકેડમીના સ્થાપક અને ડિરેક્ટર ડૉ. મોનિકા શાહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. મહત્વપૂર્ણ છે કે, એકેડેમીના 11 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરાયા હતા. મુખ્ય અતિથિઓ અને મહાનુભાવોએ પદવી ધારકોને શુભેચ્છા સહ આશીર્વાદ આપ્યા હતાં. જયારે સમારોહના પ્રારંભે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓે પોતાની સંગીત શૈલી સાથે મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.