રાજકોટ :જેતપુર સાડી ઉદ્યોગનું પ્રદુષણ ધોરાજી તાલુકાના ખેડૂતોની જમીનને બંજર બનાવી રહ્યું છે. હવે ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં જેતપુરના કારખાનેદાર દ્વારા એક પ્રોસેસ હાઉસ ચલાવવામાં આવી રહ્યું છે. 100 સાડીના કારખાનાનું પ્રદૂષણ જેટલું પ્રદૂષણ માત્ર આ એક પ્રોસેસ હાઉસ ફેલાવી રહ્યું છે. ગ્રામજનોએ આ પ્રોસેસ યુનિટને બંધ કરવાની માંગ સાથે પાણીના સેમ્પલ લઇ ઢોલ-નગારા સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ઝાંઝરેમ ગામના લોકોની ગંભીર સમસ્યા, ઢોલ-નગારા સાથે વિરોધ નોંધાવ્યો (ETV Bharat Reporter) ખેડૂતોની ગંભીર સમસ્યા :ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામની સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક વર્ષથી પ્રોસેસ હાઉસ ચાલુ છે. આ પ્રોસેસ હાઉસ દ્વારા વરસાદી પાણી સાથે પ્રોસેસનું પાણી છોડી દેવામાં આવે છે. જેના કારણે સીમતળ વિસ્તારમાં ખેડૂતોના બોર અને કુવાના પાણી કેમિકલયુક્ત ઝેરી પાણીથી પ્રદૂષિત થઈ ગયા છે. સાથે જ પાણીની પાઇપલાઈનો પણ સડવા લાગી છે. બોર અને કુવાના પાણીથી પાકને પિયત કરતા ખેતીની જમીન બિનઉપજાઉ બંજર બની ગઈ છે.
કારખાનાનું પ્રદુષિત પાણી (ETV Bharat Reporter) કેન્સર થયાનો આક્ષેપ :પ્રદુષિત પાણીને કારણે ગામમાં અસંખ્ય લોકોને ચામડીના રોગો થયા છે. ગામના સરપંચના પતિ વિપુલ બગડાએ પ્રદૂષણ અંગે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, આ પ્રોસેસ હાઉસ જ્યારથી ગામમાં આવ્યું ત્યારથી ગામના એંસી જેટલા લોકોના કેન્સરથી મોત થયા છે. હાલમાં વીસ જેટલા ગામવાસીઓ કેન્સરથી પીડાય રહ્યા છે. ભૂતકાળમાં આ અંગે પ્રદુષણ બોર્ડને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરી, પરંતુ પ્રદુષણ બોર્ડ દ્વારા પ્રોસેસ હાઉસ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
ખેડૂતોના સવાલ-તંત્રના જવાબ :આ ગામના સરપંચની આગેવાનીમાં લગભગ પચાસ જેટલા ખેડૂતો જેતપુર પ્રદુષણ બોર્ડની કચેરીએ ઢોલ નગારા સાથે પહોંચ્યા હતા. ખેડૂતોએ ગામમાં ચાલતા પ્રોસેસ હાઉસને સદંતર બંધ કરવાની માંગ કરી હતી. આ અંગે પ્રદુષણ બોર્ડના ઇન્ચાર્જ અધિકારીએ જણાવ્યું કે, ઝાંઝમેર ગામના ખેડૂતો પ્રોસેસ હાઉસ સામે રજૂઆત કરી છે. અમે અમારા અધિકારીને સ્થળ પર મોકલી પાણીના સેમ્પલ લેવડાવી લીધા છે. પ્રોસેસ હાઉસનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ કોસ્ટીક રિકવરી પ્લાન્ટ એમ બંને પ્લાન્ટ બંધ છે. એટલે આ પ્રોસેસ હાઉસ ચાલતું હોય તો ગેરકાયદેસર કહેવાય. અમે આ પ્રોસેસ હાઉસ બંધ થઈ જાય તેવા પ્રયત્ન કરીશું.
- રાજકોટ જિલ્લામાં વરસાદની ઘાતક એન્ટ્રી, હરિપરમાં વૃદ્ધાનું પાણીમાં તણાતા મોત
- રેલવે નાળાના કામમાં અસંતોષ જણાતાં જેતપુરના ખેડૂતોએ કામ બંધ કરાવ્યું