અમદાવાદ: દર વર્ષે, 19 થી 25 નવેમ્બર સુધી, દુનિયાભરના લોકો વિશ્વ ધરોહર સપ્તાહ ઉજવવા માટે એકસાથે આવે છે, જે સાંસ્કૃતિક અને ઐતિહાસિક ખજાનાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત વૈશ્વિક ઉત્સવ છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત અને સમર્થિત, આ અઠવાડિયું વર્તમાન અને ભાવી પેઢીઓના લાભ માટે દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા કરવાની આપણી સામુહિક જવાબદારીની યાદ અપાવે છે. ત્યારે ગુજરાત માટે ગર્વની બાબત એ છે કે રાજ્યમાં ચાર મહત્વપૂર્ણ યુનેસ્કો હેરિટેજ સ્થળો આવેલા છે. જેણે વિશ્વ ફલક પર ગુજરાત જ નહીં પરંતુ દેશનું નામ ગર્વની બાબત છે. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ગુજરાતના ધોળાવિરા, રાણકી વાવ, અમદાવાદ શહેર અને ચાંપાનેરનો સમાવેશ થાય છે. ત્યારે હેરિટેજ સપ્તાહની ઉજવણી વચ્ચે ગુજરાતના હેરિટેજ સ્થાનો પર એક નજર કરીએ...
વર્લ્ડ હેરિટેજ શહેર- અમદાવાદ
પૂર્વનું વેનિસ તો ક્યારેક માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ શહેર અનોખું છે. વર્ષ 2017માં અમદાવાદ શહેરને ભારતનું પ્રથમ વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. એવું મનાય છે કે, અમદાવાદ શહેરની સ્થાપના વર્ષ 1411માં અહેમદશાહે કરી હતી. એવો પણ ઈતિહાસ છે કે, સાબરમતી નદીના પૂર્વ કિનારે આશાપલ્લી કે આશાવલ નામે નગરી હતી, જે પછીથી અમદાવાદના નામે ઓળખાયું, આશાવલ નગરીમાં વર્ષો જૂના સૂર્ય, શક્તિ અને વિષ્ણુના શિલ્પો મળ્યા હતા. આશાવલ નગરી પર 11મી સદીના અંતમા પાટણના ચાલુક્ય રાજાઓએ વિજય મેળવી તેનું નામ કર્ણાવતી કર્યું હોવાનો લશ્કરી ઈતિહાસ છે. અમદાવાદ શહેરનો કોટ વિસ્તાર સમૃદ્ધ હતો અને કોટ વિસ્તારમાં વિવિધ સ્થાપત્યો બંધાયા. વર્ષ 1424માં સુલતાન અહમદશાહે ભવ્ય મસ્જિદનું નિર્માણ કર્યુ હતું. જામા મસ્જિદના નિર્માણ બાદ શહેરને ફરતે કોટ બંધાયા અને શહેરનો કોટ વિસ્તાર સલામત અને સમૃદ્ધ બન્યો હતો.
અમદાવાદની પ્રખ્યાત સીદી સૈયદની જાળી એક જ પથ્થરથી બનેલું બેનમુન સ્થાપત્ય છે. ગુજરાતના સુલતાન શામ-ઉદદદિન - મુઝફ્ફર ખાનના ત્રીજા સરકાર બિલાલ ખાને 1572માં સીદી સૈયદની જાળીનું નિર્માણ કરાવ્યું હતુ. અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ સુલતાન કુતુબુદ્દીન અહમદશાહ - બીજાએ 15મી સદીમાં નિર્માણ કરાવ્યું હતુ. વર્ષ 1451માં પૂર્ણ થયેલું કાંકરિયા એ સમયે હૌજ-એ-કુતુબના નામે ઓળખાતું હતું. આજે કાંકરિયા એ અમદાવાદનું સૌથી મોટું તળાવ છે. અમદાવાદનો સરખેજનો રોજો પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
અમદાવાદના 12 દરવાજા, વચ્ચે ભદ્રકાળી એ નગરમાતા છે. અમદાવાદમાં હિંદુ, મુસ્લિમ, જૈન અને ખ્રિસ્તી ધર્મના અનેક સ્થાનકો અને સ્થાપત્યો છે, જેને અમદાવાદને ગ્લોબલ સિટી સાથે હિરેટેજ સિટીનો દરજ્જો અપાયો છે. કોટ વિસ્તારમાં પોળ-ઓળ-ખડકી જેવાં રહેણાંક વિસ્તારો તો માણેકચોક, ત્રણ દરવાજા, લાલ દરવાજા, સલાપસ રોડ, ભદ્ર કિલ્લાની આસપાસનો વેપારી વિસ્તાર છે. અંગ્રેજકાળમાં અંગ્રેજી માધ્યમની શાળા, ચર્ચ, બ્રિજ, રેલવે આવી. 1915માં મહાત્મા ગાંધીએ પાલડીના કોચરબ ખાતે પ્રથમ આશ્રમ સ્થાપ્યુ. ત્યાર બાદ સાબરમતી આશ્રમ થકી દેશમાં સ્વાંતત્ર સંગ્રામનો આરંભ કર્યો. સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પદયાત્રાએ વિશ્વમાં અમદાવાદને પ્રસિદ્ધ કર્યું હતું. આઝાદી બાદ અમદાવાદમાં IIMનું બિલ્ડીંગ, આત્મા બિલ્ડીંગ, અમદાવાદ મ્યુઝિયમ, હુસૈન-દોશી ગુફા જેવા અનેક બિલ્ડિંગોએ આધુનિક સ્થાપત્યમાં સ્થાન અપાયું છે. વર્ષ - 2000 બાદ અમદાવાદમાં રિવરફ્રન્ટ, કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને હવે અટલ બ્રિજ, મેટ્રો ટ્રેન એ આધુનિક સુવિધા સાથે અમદાવાદને વૈશ્વિક ગૌરવ અપાવે છે.
રાણકી વાવ- પાટણ
પાટણની રાણકી વાવ 1063માં ચૌલુક્ય વંશની રાણી ઉદયમતી દ્વારા તેમના પતિ ભીમદેવ Iની યાદમાં બાંધવામાં આવી હતી. જૈન સાધુ, મેરુતુંગાની 1304ની રચનામાં ઉલ્લેખ છે કે નરવરા' ખેંગારના પુત્રી ઉદયમતીએ પાટણ ખાતે આ વાવ બંધાવી હતી. આ જ રચનામાં એવો પણ ઉલ્લેખ છે કે વાવ 1063 માં બનાવવાની શરૂ કરવામાં આવી હતી અને 20 વર્ષ પછી પૂર્ણ થઈ હતી. પુરાતત્ત્વવિદો હેનરી કાઉસન્સ અને જેમ્સ બર્ગેસે 1890માં તેની મુલાકાત લીધી હતી જ્યારે તે સંપૂર્ણપણે કાંપની નીચે દટાઈ ગઈ હતી અને માત્ર થોડા થાંભલા જ દેખાતા હતા. 1940 ના દાયકામાં વાવની પુનઃશોધ કરવામાં આવી હતી, અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે 1980ના દાયકામાં તેને પુનઃસ્થાપિત કરી હતી. આ વાવ 2014 થી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાંની એક તરીકે સ્થાન પામી છે.
પાટણના ભૂતપૂર્વ ગૌરવની એકમાત્ર વાસ્તવિક નિશાની આ અલૌકિક સુંદર વાવ છે. સરસ્વતી નદીના કિનારે આવેલી, આ ગુજરાતની સૌથી જૂની અને શ્રેષ્ઠ વાવમાંની એક છે અને નોંધપાત્ર રીતે સચવાયેલી છે. 800 થી વધુ શિલ્પો સાથે મોટાભાગે વિષ્ણુ-અવતાર થીમ પર, તેમજ આકર્ષક ભૌમિતિક પેટર્ન સાથેના અનેક લેવલમાં પગથિયાં નીચે જાય છે. વાવ એક ઊંધા મંદિરના રૂપમાં બનાવવામાં આવેલી છે. તે યુગની શ્રેષ્ઠ કારીગરી દર્શાવે છે, અને અનોખી મારુ-ગુર્જરા સ્થાપત્ય શૈલી અને માઉન્ટ આબુના વિમલવસાહી મંદિર અને મોઢેરા ખાતેના સૂર્ય મંદિર જેવી જ ગૃહ શિલ્પો દર્શાવે છે.
પ્રાચીન ગુજરાતની રાજધાની રહી ચુકેલી પાટણમાં રાણી ઉદયમતીએ બનાવેલી આ વાવ સદીઓ પહેલા પાણી સંગ્રહનું મૂલ્ય પણ સમજાવે છે. સાત માળની આ વાવમાં પાણીનો સંગ્રહ અને ઉપયોગ કઈ રીતે કરવો તે સમયના સ્થાપત્યકારોએ એક અદ્ભુત સમજ પૂરી પાડી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચલણી નોટ પર રાણીની વાવની પ્રતિકૃતિ અંકિત કરતા રાણીની વાવ સાથે પાટણનું ગૌરવ વધ્યું છે.