અમદાવાદ: વિવિધતામાં એકતા ધરાવતા આપણા ભારત દેશમાં અનેક જોવા લાયક સુંદર સ્થળો આવેલા છે, અને આપણા દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા, ભાષા, પહેરવેશથી લઈને ખાન-પાન પણ અલગ-અલગ છે, તેમાંથી દક્ષિણ ભારત સૌથી અલગ છે. છેલ્લાં ઘણા સમયથી દક્ષિણ ભારત ગુજરાત સહિત ઉત્તરભારતના લોકોમાં ખુબ જ આકર્ષણ ધરાવી રહ્યું છે, અને દક્ષિણ ભારત ફરવા જતા લોકોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
દેશમાં સૌથી સસ્તી અને સલામત સફર માટે ભારતીય રેલવેની મુસાફરી સિવાય અન્યો કોઈ વિકલ્પ ન હોઈ શકે એમ કહીએ તો કોઈ અતિશોયુક્તિ નથી. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી તામિલનાડુના તિરુચિરાપલ્લી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. તામિલનાડુ એક એવું રાજ્ય છે, જે તેની આગવી સુંદરતા, પરંપરા, સંસ્કૃતિ અને સુવર્ણ ઈતિહાસ સમેટીને બેઠું છે. તામિલનાડુમાં અને તિરુચિરાપલ્લી સહિત તેની આસ પાસ ઘણા બધા ફરવા લાયક સ્થળો આવેલા છે.
અમદાવાદથી તિરૂચિરાપલ્લીસ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને તામિલનાડુના તિરુચિરાપલ્લી વચ્ચે શિયાળુ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આગામી 02 જાન્યુઆરી 2025થી આગલી સૂચના સુધી વિશેષ ભાડા પર દોડાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રેન નંબર 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ ટ્રેન આગામી 02 જાન્યુઆરી 2025થી આગળની સૂચના ન મળે ત્યાં સુધી દર ગુરુવારે અમદાવાદથી સવારે 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે એટલે કે શનિવારે બપોરે 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચાડશે. તેવી જ રીતે, પરત ફરતી વખતે ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લીથી અમદાવાદ આ સ્પેશિયલ ટ્રેન 05 જાન્યુઆરી, 2025થી આગળની સૂચના સુધી દર રવિવારે તિરુચિરાપલ્લીથી સાંજે 05:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે સોમવારે રાતે સવા 9.15 કલાકે અમદાવાદ પહોંચાડશે.
ક્યાં ક્યા રેલવે સ્ટેશન પર સ્ટોપ કરશે
અમદાવાદથી તિરુચિરાપલ્લી વચ્ચે આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં, વડોદરા, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરગી, વાડી, રાયચુર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા , રેણીગુંટા, અરાકોણમ, પેરમ્બુર, ચેન્નાઈ એગમોર, તાંબરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શિરકાશી, વૈદ્દીશ્વરનકોઈલ, મઈલાડુતુરૈ, કુંભકોણમ,પાપનાશમ અને તંજાવુર સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. મહત્વપૂર્ણ છે કે, ટ્રેન નંબર 09419નું (અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ) બુકિંગ 29 ડિસેમ્બર 2024થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરુ થઈ જશે. ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરોને રેલવેની આધિકારીક વેબસાઈટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવાનો ખાસ અનુરોધ છે.
તિરુચિરાપલ્લીથી ઉટી
તમિલનાડુમાં આવેલું ઊટી ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. અહીંના લીલાછમ મેદાનો, રમણીય વાતાવરણ, ફૂલોની સુંદરતા તમારા મનને મોહી લેશે. ઊટીને હિલ સ્ટેશનોની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તિરૂચિરાપલ્લીથી ઉટીનું અંતર આશરે 283 કિલોમીટર છે અને ઉટીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન મેટ્ટુપલયમ છે જે ઉટીથી લગભગ 47 કિમીના અંતરે આવેલું છે. અહીં ખાસ વાત એ છે કે, આપ મેટ્ટુપલયમથી ટ્રોય ટ્રેન દ્વારા ઉટી પહોંચી શકો છો.