વડોદરા : ગતરોજ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદેસર 104 જેટલા ભારતીય નાગરિકોને દેશનિકાલ આપી લશ્કરી વિમાનમાં ભારત ડિપોર્ટ કર્યા છે. જે પૈકી એક યુવતી વડોદરા જિલ્લાના પાદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ છે. 25 દિવસ બાદ ખુશી માતા-પિતાને મળતા દીકરીને સહી સલામત જોઈ માતા-પિતાની આંખોમાં ખુશીનાં આંસુ વરસ્યા હતા.
પોલીસ સુરક્ષા સાથે ઘરે પહોંચી ખુશ્બુ પટેલ : આજ રોજ અમદાવાદ એરપોર્ટથી ખુશ્બુ પટેલ પોલીસ પ્રોટેક્શન સાથે પોલીસ પાદરા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં તેનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી ખુશ્બુ પટેલ ઘરે ગઈ હતી. ખુશ્બુ તેના ઘરે પહોંચતા પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી.
માતા-પિતાની ખુશી પરત ફરી : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલ માતા-પિતાએ જણાવ્યું કે, અમે કશું જાણતા ન હતા, મીડિયા થકી અમને સમાચાર મળ્યા કે અમેરિકામાં તકલીફ છે. પરંતુ આપણી સરકારના સહયોગથી અમારી દીકરી સહી સલામત ઘરે પરત આવી ગઈ છે, જેથી અમારી ખુશીમાં વધારો થયો છે.
USમાં ગેરકાયદેસર વસતા લોકો સામે કાર્યવાહી : તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં વસતા ગેરકાયદેસર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 205 ભારતીય નાગરિકોની યાદી બનાવાઈ હતી. ગતરોજ 104 જેટલા ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાં 33 ગુજરાતી લોકો છે.
33 ગુજરાતી સહિત 104 ભારતીય પરત ફર્યા : પાદરા તાલુકાના લુણા ગામે રહેતી ખુશી પટેલ 25 દિવસ પહેલા અમેરિકા જવા માટે રવાના થઈ હતી. પરંતુ હાલ પ્રવર્તમાન ટ્રમ્પ સરકારે 33 ગુજરાતી સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. જે પૈકી આ ખુશ્બુને પણ ડિપોર્ટ કરવામાં આવી હતી. આજરોજ ખુશ્બુ પોતાના ઘરે પરત ફરતા તેના પરિવારજનો અને નજીકના લોકોમાં ભારે ખુશી પ્રવર્તી હતી.