ગુજરાત

gujarat

ETV Bharat / state

Water storage in Kutch Dam : કચ્છમાં પાણીની ઉપલબ્ધતા અંગે જૂઓ અહેવાલ, 20 ડેમમાં 37 ટકા જેટલું જ પાણી - Water storage in Kutch Dam

હજુ તો ઉનાળો બેસી રહ્યો છે પણ કચ્છ જિલ્લાના ડેમમાં પાણી કેટલું છે તેની ગણતરીઓ કરવી પડે એવી સ્થિતિ છે. મધ્યમકક્ષાના 20 ડેમમાં 37 ટકા પાણી છે જ્યારે ત્રણ ડેમમાં તો 10 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે. કચ્છમાં પાણીની ઉપલબ્ધતા અંગે જૂઓ અહેવાલ.

Water storage in Kutch Dam : કચ્છમાં પાણીની ઉપલબ્ધતા અંગે જૂઓ અહેવાલ, 20 ડેમમાં 37 ટકા જેટલું જ પાણી
Water storage in Kutch Dam : કચ્છમાં પાણીની ઉપલબ્ધતા અંગે જૂઓ અહેવાલ, 20 ડેમમાં 37 ટકા જેટલું જ પાણી

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 3:20 PM IST

123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણી છે

કચ્છ : કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે. જિલ્લામાં 20 જેટલા મધ્યમ સિંચાઇના ડેમો આવેલા છે, જેમાંથી 3 ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળો આકારો બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ઉનાળામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવું અત્યારથી લાગી રહ્યું છે. 20 ડેમોમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે.

જિલ્લામાં આગામી સમયમાં ગરમીનો માહોલ વધશે : જિલ્લાના મધ્યમ કક્ષાના 20 ડેમમાં હવે માત્ર 37.05 ટકા જેટલું જ પાણી છે. 20 ડેમોમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં 5 ટકા જેટલું પાણી પણ નથી બચ્યું. આગામી સમયમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થશે પરંતુ ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

નર્મદાનાં પાણીની માંગ :સ્થાનિક ખેડૂત ગોપાલભાઈ આહિરે જણાવ્યું હતું કે, ઉનાળો આવી રહ્યો છે અને રુદ્રમાતા ડેમમાં પાણી બિલકુલ નથી. ડેમના આધારે ખેડૂતો અને પશુધન છે. ત્યારે ડેમના તળિયામાં પણ પાણી હવે વધારે બચ્યું નથી. વર્ષોથી સરકાર સમક્ષ એક જ માંગણી કરવામાં આવે છે કે નર્મદાનું વધારાનું પાણી રુદ્રમાતા ડેમ સુધી લાવવામાં આવે માટે જો કચ્છના ખેડૂતો અને પશુધનને બચાવવું હોય તો કચ્છને નર્મદાનાં પાણી આપવું અનિવાર્ય છે.

હાલ ડેમમાં 37.05 ટકા જેટલું જ પાણી ઉપલબ્ધ : કચ્છ સિંચાઈ વર્તુળના નાયબ કાર્યપાલક ઇજનેર રમીઝ સુમરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમો પૈકી ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે, જે પાણી પુરવઠા હસ્તકનો છે. જ્યારે બાકીના 19 ડેમો અનગેટેડ સ્કીમ છે.હાલ મધ્યમ સિંચાઇ યોજના અંતર્ગતના ડેમમાં પાણીની પરિસ્થતિની વાત કરવામાં આવે તો હાલ કચ્છના મધ્યમ સિંચાઇના ડેમોમાં 37.05 ટકા જેટલું જ પાણી ઉપલબ્ધ છે. તો 3 જેટલા ડેમોમાં 10 ટકાથી પણ ઓછું પાણી છે.

ઉનાળા દરમિયાન ડેમોમાં 10 ટકા જેટલું પાણી હોવું જરૂરી : નર્મદાનાં વધારાના પાણી કેનાલ મારફતે ડેમમાં પહોંચાડવામાં આવે છે. નર્મદાનાં વધારાના પાણી સુવઈ, ટપ્પર, ફતેહગઢ જેવા ડેમોને સિંચાઇ માટેના પાણીથી ભરવા માટે ઉપયોગમાં લેવાય છે. ઉનાળા દરમિયાન ડેમોમાં 10 ટકા જેટલું પાણી હોવું જરૂરી છે પણ 3 ડેમો એવા છે જેમાં 10 ટકાથી ઓછું પાણી છે. જ્યારે 11 જેટલા ડેમમાં પાણી અનામત તરીકે રાખવામાં આવ્યું છે તો ખેતીમાં ખરીફ પાકો માટે પણ પાણી અનામત રાખવામાં આવ્યું છે.

7 ડેમોમાં 25 ટકાથી ઓછું તો 3 ડેમમાં 70 ટકાથી વધુ પાણી :કચ્છમાં હાલમાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. જે કુલ જળસંગ્રહ શક્તિના 37.05 ટકા જેટલું જ છે. જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ 2023ના ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો નહતો થયો. રુદ્રમાતા ડેમમાં હવે માત્ર 4.94 ટકા પાણી બચ્યું છે. કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ હવે તળિયાઝાટક થવાની તૈયારીમાં છે. જિલ્લામાં 7 જેટલા ડેમો એવા પણ છે કે, જેમાં 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે, તો બીજી બાજુ જિલ્લાના ગોધાતળ, કાળાઘોઘા, ટપ્પર એમ 3 ડેમ એવા પણ છે કે, જેમાં 70 ટકાથી વધુ પાણી સંગ્રહિત છે.

કચ્છના 20 મધ્યમ સિંચાઇના ડેમો : કચ્છ જિલ્લાના મધ્યમ સિંચાઇ યોજનાના ડેમની વાત કરવામાં આવે તો અંજાર તાલુકામાં 1, લખપત તાલુકામાં 4, રાપર તાલુકામાં 2, ભુજ તાલુકામાં 3, અબડાસા તાલુકામાં 4, નખત્રાણા તાલુકામાં 3, મુંદ્રા તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 મળીને કુલ 20 મધ્યમ સિંચાઇ યોજનાના ડેમ આવેલા છે.

ડેમમાં ઉપલબ્ધ પાણી : ફતેહગઢમાં 50.81 ટકા,સુવઇ 35.05 ટકા,કાસવટી 24.54 ટકા,રુદ્રમાતા 4.94 ટકા,કૈલા 0.43 ટકા,નીરુના 13.51 ટકા,ભૂખી 25.19 ટકા,મથલ 18.37 ટકા,ગજણસર 58.00 ટકા,નરા 35.18 ટકા,સાંનંધ્રો 41.55 ટકા,ગોધાતળ 72.45 ટકા,જંઘડિયા 63.88 ટકા,મિટ્ટી 64.56 ટકા,બેરાચિયા 64.83 ટકા,કંકાવટી 30.59 ટકા,ડોણ 42.46 ટકા,ગજોડ 9.71 ટકા,કાળાઘોઘા 87.28 ટકા અનેટપ્પરમાં 74.05 ટકા જેટલું પાણી બચ્યું છે.

  1. Kutch Rain : કચ્છના 5 ડેમ થયા ઓવરફ્લો, ખેતરો બેટમાં ફેરવાયા, હજુ 3 ડેમ છલોછલ થવાની તૈયારીમાં
  2. Bore Well Recharging In Kutch : બંધ પડેલા બોર પાછા જીવિત કરે છે આ સંસ્થા, ખેડૂતોને ઓછા ખર્ચે થાય છે ફાયદો

ABOUT THE AUTHOR

...view details