વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી (ETV Bharat Gujarat) વડોદરા: શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી, ત્યારે અનરાધાર વરસાદથી સમગ્ર શહેર આખુ પાણી પાણી થઈ ગયું છે. 14 ઈંચ વરસાદ ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. આથી નદીમાં રહેલા મગરોનો ડર પણ હવે લોકોને સતાવી રહ્યો છે. પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે. ભારે વરસાદથી વડોદરામાં ગુરૂવારે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્ર નદીમાં નવા નીરની આવક થઈ છે. વરસાદને કારણે પણ પાણી વધ્યું છે. કમાટીપુરા, પરશુરામ, ભટ્ટો સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં.
લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડયા (ETV Bharat Gujarat) પ્રાણી સંગ્રહાલયમાંથી સસલા વર્ગના પ્રાણી ખસેડાયા:વડોદરામાં ભયજનક સપાટીએ વહી રહેલી વિશ્વામિત્રી નદીના પટ પાસે આવેલું સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયની સ્થિતી અંગે ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, હાલમાં સસલા વર્ગના પ્રાણીને ખસેડવામાં આવ્યા છે. જો જરૂરિયાત જણાશે તો અન્ય શાહુડી વર્ગના પ્રાણીઓને ખસેડવાની જરૂર પડશે. હાલમાં પાણી આવે તેવી સ્થિતિ જણાતી નથી, પરંતુ જો આવશે તો તે માટે અમે પૂરતી વ્યવસ્થા કરી છે અને હાલમાં કામગીરી ચાલી રહી છે.
શૈલેષ દેસાઈએ ગામોની મુલાકાતે:આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વડોદરા ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ અને તેમની ટીમે વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની મુલાકાત લીધી હતી. નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગાઉથી સાવચેતીના પગલાં તાલુકા તંત્રવાહકો દ્વારા લેવામાં આવ્યા છે. મામલતદાર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે, નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી 71 અને કોટાલીમાંથી 70 સહિત કુલ 141 લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજવા સરોવરના 62 દરવાજા ખુલ્યા:આ ઉપરાંત કેચમેન્ટ વિસ્તારના પાણીની આવકથી આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને પાણી છોડાઈ રહ્યું છે. આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીમાં ઠલવાઈ રહ્યું છે. આજવાના પાણીની આવક થતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. તેમજ વિશ્વામિત્રી નદીનું લેવલ 26.90 ફૂટે પહોંચ્યું છે તથા નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. તથા ડભોઈ ડંગીવાળાના મુખ્ય માર્ગો પર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. મગનપુરા, પ્રયાગપુરા, નારણપુરા, વીરપુરા, બંબોજ જવાના માર્ગો ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. નદી કાંઠા વિસ્તારના તમામ ગામોના જન જીવન પર સીધી અસર થઈ છે.
ઈમરજન્સી નંબર જાહેર કરાયા: ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા વડોદરામાં કન્ટ્રોલ રૂમના નવા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ કંટ્રોલ રૂમ 100 તેમજ 0265-2431414 છે. તેમજ પોલીસ ગ્રામ્ય 0265-2435636 અને જિલ્લા પંચાયત માટે 0265-2432027 નંબર છે. વડોદરા સિંચાઈ વર્તુળ નંબર 0265 2431291, 0265 2410861 તેમજ MGVCL માટે 0265 2436121, 2436133 નંબર જાહેર કરવામાં આવ્યા છે.
- સુરતમાં પડી રહેલા અનરાધાર વરસાદે લીધો એક બાળક સહિત 3 વ્યક્તિઓના જીવ - surat weather update
- રાજકોટ કલેકટરે વરસાદ બાદ નુકસાનીનું કર્યું નિરીક્ષણ, અધિકારીઓને સ્થળ પર જ કરાયુ સુચન - rajkot weather update