વલસાડ :જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વલસાડ શહેર અને ડુંગળી વિસ્તારમાં કામ કરતા આંગડિયા પેઢી તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ તેમજ સોના-ચાંદીની દુકાન ધરાવતા માલિકો સાથે વિશેષ તકેદારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતકાળમાં થયેલા લૂંટ- ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ અટકાવી શકાય તે માટે વિશેષ સૂચના આપવામાં આવ્યા હતા.
વિશેષ તકેદારી બેઠક : ગઈકાલે વાપીમાં યોજાયેલ તકેદારી બેઠક બાદ આજે વલસાડ શહેરમાં પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે વલસાડ જિલ્લા એસપી દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ બેઠકમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને પણ આગામી દિવસમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તકેદારી રાખવા મોટા પ્રમાણમાં થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે સતર્ક રહેવા તેમજ શંકા જણાય તો પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું.
કયા પ્રકારની તકેદારી રાખવી ?વલસાડમાં ભૂતકાળમાં બનેલી લૂંટ-ચોરી અને ચેન સ્નેચિંગ જેવી ઘટના રોકવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી તે સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વલસાડ શહેર અને ડુંગરી તેમજ આસપાસના વિસ્તારમાં કાર્યરત આંગડિયા પેઢી અને જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને જિલ્લા પોલીસ વડાએ વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં સીસીટીવી ફરજિયાત રાખવા તથા કર્મચારીઓને આઈડી પ્રૂફ પોતાની સાથે રાખવા સહિત આવતા જતા લોકો પર શંકા જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.