ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડ RTO વિભાગનું આકરું વલણ : એક માસમાં 1677 વાહનચાલકો દંડાયા, રૂ. 58 લાખનો દંડ વસૂલ્યો - Valsad Traffic Rule - VALSAD TRAFFIC RULE

વલસાડ જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર અંદાજિત 1677 વાહનચાલકો વિરુદ્ધ વલસાડ RTO વિભાગે કડક કાર્યવાહી કરી છે. એક માસની અંદર વલસાડ RTO વિભાગ દ્વારા લગભગ 58 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

વલસાડ RTO વિભાગનું આકરું વલણ
વલસાડ RTO વિભાગનું આકરું વલણ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 9:33 AM IST

વલસાડ :ગત 26 જુલાઈથી 25 ઓગસ્ટ એક મહિના માટે વલસાડ RTO કચેરી દ્વારા જિલ્લામાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં પૂરપાટ ઝડપે વાહન ચલાવતા, વાહનની ક્ષમતા કરતા વધુ પેસેન્‍જરો બેસાડતા, રોંગ લેન પર ચાલતા વાહન તથા પરમીટ, વીમા કે ફીટનેસ વગરના વાહનો, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા, ગેરકાયદેસર પાર્કિંગ કરવા અને રોંગ સાઇડમાં વાહન ચલાવતા લોકોને દંડવામાં આવ્યા હતા.

વલસાડ RTO વિભાગે એક માસમાં રૂ. 58 લાખનો દંડ વસૂલ્યો (ETV Bharat Gujarat)

સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ :વલસાડ જિલ્લા RTO વિભાગ દ્વારા ટ્રાફિક નિયમ મુજબ નક્કી કરેલ પેસેન્જરો સિવાય વધારાના પેસેન્જરો બેસાડનાર વાહનચાલકો સામે એક વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં ગત 26 જુલાઈથી 25 ઓગસ્ટ દરમિયાન એક્સ્ટ્રા પેસેન્જરના ચેકિંગ માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા પેસેન્જર બેસાડી વાહન ચલાવનાર પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

એક માસમાં 58 લાખનો દંડ :મોટર વાહન અધિનિયમ 1988 અને તેના હેઠળના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ વલસાડ RTO કચેરી દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કુલ 1677 વાહનચાલકોને કુલ રૂ. 58,28,331 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ઓવર સ્પિડીંગના 260 કેસમાં રૂ. 5,98,500, વીમા વગરના 274 કેસમાં રૂ 5,48,000 અને રોંગ લેન ડ્રાઈવિંગના 42 કેસમાં રૂ.1,68,700 નો દંડ નોંધાયો હતો.

વાહનચાલકોને ખાસ અપીલ :વલસાડ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યારે પણ વાહન ચલાવો ત્યારે આરટીઓના નિયમોનું પાલન કરો. સાથે જ પોતાની આરસી બુક સહિત ઇન્સ્યોરન્સ સહિતના તમામ કાગળો પોતાના વાહનોમાં સાથે રાખો. આરટીઓની દંડાત્મક કાર્યવાહીથી બચી શકાય તેમજ આરટીઓના નિયમોના પાલનથી અકસ્માતથી પણ બચી શકાય તેમ છે.

5 વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ :છેલ્લા એક અઠવાડિયામાં વલસાડ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા પાંચ જેટલા વાહન ચાલકોના લાઇસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં નશો કરીને ડ્રાઇવિંગ કરનારા તેમજ નશો કરી ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જનાર લોકો સામેલ છે. સાથે જ અકસ્માત કરી કોઈકનું મોત નીપજાવનાર એવા કુલ પાંચ જેટલા વાહન ચાલકોના લાઇસન્સ ત્રણ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નિયમો તોડ્યા તો દંડ થશે :વલસાડ આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને જાહેર અપીલ કરી જણાવવામાં આવ્યું છે કે, વાહનનો પાર્સિંગ કરતી વખતે જે રીતે પેસેન્જર બેસાડવા માટે નોંધ કરવામાં આવી હોય તે મુજબ જ કાયદા અનુસાર પેસેન્જર વાહનોમાં બેસાડવા જોઈએ. નહીં તો દંડાત્મક કાર્યવાહીથી બચી શકાશે નહીં. આમ વલસાડ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા છેલ્લા એક માસમાં લાખો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

  1. વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ આરોગ્ય વિભાગે મોરચો સંભાળ્યો
  2. કરિયાણું અને ફ્રુટ વિતરણ કરી સ્વતંત્રતા દિવસની વલસાડમાં ઉજવણી

ABOUT THE AUTHOR

...view details