વલસાડ: હવામાન વિભાગ અને અંબાલાલ કાકા દ્વારા ડિસેમ્બર તારીખ 5 ની આસપાસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, જે હાલ તો સાચી પડી રહી છે. વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ બાદ અનેક ગામોમાં કમોસમી વરસાદે દસ્તક દીધી છે જેને પગલે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
એકત્ર કરેલા ડાંગરના પાકમાં વરસાદી પાણીથી નુકસાન:તાજેતરમાં જ અનેક ખેડૂતોએ પોતાના તૈયાર થયેલા ડાંગરના પાકની કાપણી પૂર્ણ કરી છે અને કાપણી પૂર્ણ કર્યા બાદ ડાંગરના પુડા એકત્ર કરી પોતાના આંગણામાં કે ખેતરોમાં એકત્ર કર્યા છે. આ દરમિયાન અચાનક આવી પડેલા કમોસમી વરસાદને પગલે આ તમામ ડાંગરનો પાક વરસાદના પાણીથી ભીંજાઈ જવાની ચિંતા છે. જ્યારે એક જગ્યા પર તો ખેડૂતોએ વરસાદી પાણીથી બચવા પોતાના ડાંગરના પાકને તાડપત્રી વડે ઢાંકી દીધો છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ (Etv Bharat Gujarat) હાલમાં ડાંગરને ઝુડવાની પ્રક્રિયા ચાલી રહી છે:હાલમાં દરેક ગામેગામ ખેડૂતો ડાંગરના પૂડામાંથી ડાંગરનું ભાત અલગ કરવા એટલે કે ડાંગરને ઝૂડવાની પ્રક્રિયામાં જોડાયા છે એટલે કે ડાંગરના આખા ભાતને પૂડામાંથી અલગ કરવા માટે તેને ઝુડવામાં આવે છે આ પ્રક્રિયા તેઓ પોતાના આંગણામાં કે ખેતરમાં કરતા હોય છે. એટલે કે આ તમામ ડાંગરના તૈયાર થયેલા તાપણી બાદના પૂડા પોતાના ખેતરમાં કે આંગણામાં મુકેલા હોય એ જ સમયે વરસાદ આવે તો તેઓની સ્થિતિ ચિંતાજનક બને છે.
રવિ પાકને નુકસાન થવાની દેસત: ડાંગરના પાકની કાપણી પૂર્ણ થયા બાદ ખાલી પડેલા ખેતરમાં ખેડૂતો રવિ પાક એટલે કે કઠોળ, અડદ, મગ, ચણા કે શાકભાજીની ખેતી કરતા હોય છે ત્યારે સતત એક કલાક સુધી પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.
ડાંગર કાપણી બાદ બહાર હોય તો નુકસાન - ખેતીવાડી અધિકારી:વલસાડ જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી ટેલીફોનીક વાતચીત કરતા અનીલ ગરાસિયાએ જણાવ્યું કે, કમોસમી વરસાદને કારણે જો ડાંગરનો પાક કાપણી કર્યા બાદ ખેતરમાં જ રાખવામાં આવ્યો હોય કે અન્ય જગ્યાએ એકત્રિત કરી ખુલ્લામાં હોય તો કમોસમી વરસાદથી ખેતીને નુકસાન થઈ શકે છે. જ્યારે રવિ પાકમાં જો ખેતરોમાં કઠોળનું વાવેતર કર્યું હોય તો તેના માટે વરસાદ સૌથી સારો છે.
ધરમપુરના ગામોમાં એક કલાક વરસાદ પડ્યો: વહેલી સવારે વાદળછાયુ વાતાવરણ બાદ ધરમપુરના ઊંડાણના ગામો આવધા, રાજપૂરી તલાટ, ગોરખડા, મોહપાડા, જેવા ગામોમાં એક કલાકથી કમોસમી વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું છે. આ સાથે જ વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે. કારણ કે, હજુ પણ અનેક ખેડૂતોનું ડાંગર કાપણી બાદ ખેતરમાં જ એકત્ર કરાઈ રહ્યું છે.
આ પણ વાંચો:
- ખેડૂત મિત્રો ! શું તમે પણ ઘઉંનો મબલખ પાક મેળવવા માંગો છો ? તો વાંચો આ લેખ
- કૃષિ યુનિ.ના હવામાન વિભાગની સૌરાષ્ટ્રમાં શીત લહેરની આગાહી, તાપમાનનો પારો 8-9 ડિગ્રીએ પહોંચી શકે