વડોદરા : લોકસભા ચૂંટણી સાથે ગુજરાતની કેટલીક વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાવાની છે. જેમાં વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર પણ પેટા ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક ઉપરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં પ્રવેશ કરાવી આ બેઠક ઉપરથી પોતાનાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આ વાઘોડિયા બેઠક ઉપરથી અગાઉ સતત છ ટર્મથી સુધી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતાં મધુભાઈ શ્રીવાસ્તવે ઈટીવી ભારત સાથે ચૂંટણી ચર્ચામાં કરતાં જણાવ્યું હતું કે, તેઓ આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ચોક્કસ ઉમેદવારી નોંધાવાના છે. એટલે હવે આ વિધાનસભા બેઠક ઉપર " કાંટે કી ટક્કર " જેવો ખેલ જોવા મળશે તે નક્કી છે. મધુ શ્રીવાસ્તવે મકકમતાથી જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર આવે તો તેની સામે પોતે જંગી બહુમતીથી જીત મેળવશે.
મધુ શ્રીવાસ્તવની દબંગ નેતા તરીકેની છાપ : વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી સતત છ ટર્મ સુધી વિજય મેળવનાર મધુભાઈ શ્રીવાસ્તવે દબંગ નેતા તરીકે નામના મેળવી છે. તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, તેઓએ પોતાનાં કાર્યકર્તાઓ અને પ્રજાજનો સાથે હર હંમેશ તેઓની પડખે રહીને તેમનાં પ્રશ્નોને વાંચ્યા આપી છે અને તેઓ યુવાન કાર્યકર્તાઓને સાથે રાખીને પોતે ચૂંટણી જીતતા આવે છે. જયારે લોકોનાં કામો અટકે છે અને તેઓને મુશ્કેલી પડે છે ત્યારે તેઓ કામ ન કરનાર અધિકારીઓને ચૌદમું રતન બતાવે છે. પરિણામે લોકોમાં તે પ્રિય થયાં છે. પરંતુ પોતાનાં આ સ્વભાવને કારણે તેમને દબંગ નેતા તરીકેની ઓળખ મળી છે તેવું તેમણે સ્વીકાર્યું હતું અને સાથે એમ પણ જણાવ્યું હતું કે વાસ્તવમાં તેઓ કોઈ દબંગ નથી અને તેમને તેમની સ્વચ્છ છબી જાળવી રાખી છે અને કોઈ ગેરરીતિ કે ભ્રષ્ટાચારમાં તેઓનું નામ સંડોવાયું નથી. આ વખતે પેટા ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવીને તેઓ જીત હાંસલ કરશે તેઓ દૃઢ સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો.
જીતનો વિશ્વાસ :મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મને માન આપીને ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રયાસોથી અયોધ્યા ખાતે રામનું મંદિર બન્યું છે. પરંતુ ભગવાન શ્રી રામના સેવક એવા બજરંગબલીના તેઓ પરમ ભકત છે અને તેથી જ પોતાનાં કાર્યાલય સામે શાસ્ત્રી બાગ - મહંમદ તળાવ ખાતે બજરંગબલીની મૂર્તિ સ્થાપિત કરવામાં તેઓનો સિંહ ફાળો રહયો છ અને એટલું જ નહીં પરંતુ બજરંગબલીનું એક ભવ્ય મંદિર પણ બનાવ્યું છે અને તેઓ ઉપર બજરંગબલીની અસીમ કૃપા રહેલી છે, માટે ભગવાન બજરંગબલીને શિશ ઝુકાવીને તેઓ રાજકીય મેદાને ઉતર્યા છે. એટલે આ વખતે ભગવાન બજરંગબલી તેઓને ચોક્કસપણે જીત અપાવશે જ તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
રોજગારી અપાવવાનો વાયદો :મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ યુવાનોનાં પ્રિય નેતા છે અને તેઓ વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર જીત હાંસલ કરીને તેઓ યુવાનોને રોજીરોટી અપાવશે, એટલું જ નહીં તેની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રનો ભવ્ય કામગીરી કરશે. હાલમાં નવયુવાન પેઢી પ્રાઇવેટ શિક્ષણ તરફ વળી ગઈ છે. પરંતુ ખરેખર પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સરકારી સંસથામાંથી જ મળે તેવા સઘન પ્રયત્નો હાથ ધરશે. આ પ્રસંગે વડોદરા ખાતે વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી માટે યોગદાન આપનાર ગાયકવાડી રાજવી પરિવારને યાદ કરી તેમની પ્રશંસા કરી હતી.