વડતાલ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના વાડી ખાતે સ્વામિનારાયણના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ અન્ય એક સંતની લંપટ લીલાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેને કારણે આવા સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ આજરોજ મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં બેનરો પ્રદર્શિત કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આવેદનપત્ર આપી આ સાધુઓ વિરુદ્ધ રજૂઆત કરી સંપ્રદાયમાંથી તેમને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
હરિભક્તોએ બેનર પ્રદર્શિત કરી વિરોધ દર્શાવ્યો: સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટ લીલાઓ વિડીયો બહાર આવતા હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ આક્રોશિત હરિભક્તો રાજ્યભરમાંથી વડતાલ ખાતે આવી પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળોએથી આવેલા આગેવાન હરિભક્તોએ લંપટ સાધુને ભગાવો-સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થા ભગાવો-વડતાલ ગાદી બચાવો, ટ્રસ્ટીઓને ભગાવો-મંદિરને બચાવો, વર્ણશંકર અઠે ગઠેને ભગાવો-ધર્મને બચાવો, નરાધમ સાધુને ભગાવો-સ્ત્રી ધનના ત્યાગીઓને લાવો, લંપટ સાધુના સરદાર નૌતમપ્રકાશને ભગાવો-સંપ્રદાયનું બંધારણ બચાવો, દેવનો ધર્માદો સ્વીકારો-શિક્ષાપત્રીનું પાલન કરો, વહીવટી સ્કીમનો અમલ કરો-સિદ્ધાંતો બચાવો તેવા વિવિધ બેનર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે હરિભક્તો દ્વારા મંદિર કાર્યાલયમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.