વડોદરા:જિલ્લાના ડભોઇ તાલુકામાં કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી મંદિરે તિર્થધામ ખાતે આજે દિવાળીની અમાસે ભગવાન કુબેરના દર્શનાર્થે ભક્તોજનોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. દિવાળીની અમાસના પર્વએ આજે બપોરનાં ચાર વાગ્યાથી અમાસ શરૂ થાય છે અને આવતીકાલે બપોરે ચાર વાગ્યે અમાસ પૂર્ણ થશે. તેથી આ પવિત્ર દિવસે રાજયભરમાંથી હજારોની સંખ્યામાં આવેલાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર 'બમ બમ ભોલે'ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યાં હતાં.
કુબેર ભંડારી મંદિરનું ઐતિહાસિક મહત્વ
કુબેર ભંડારી મંદિર દેશનાં પવિત્ર અને પ્રસિધ્ધ મંદિરોમાં આવે છે. આ વિખ્યાત મંદિર ગુજરાતનાં વડોદરા જિલ્લામાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઈતિહાસ 2500 વર્ષથી પણ વધુ જૂનો છે અને તે અનેરૂં મહત્વ ધરાવે છે. શિવજીએ કુબેરજીને દેવતાઓના ધન ભંડારી બનાવ્યાં હતાં. કથા અનુસાર શિવજી તપથી પ્રસન્ન થયા પરંતુ રાજ પાછું ન આપી શક્યાં. પરંતુ કુબેરનો ભક્તિભાવ જોઈને સર્વે દેવી-દેવતાઓના ધનનો વહીવટ તેમને સોંપ્યો હતો. તે દિવસથી કુબેર ભંડારી ધન કુબેરના નામથી ઓળખાય છે. જેથી આ મંદિરમાં ભકતો અપાર શ્રદ્ધા ધરાવે છે અને કુબેરજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તે માટે અમાસના દિવસે દર્શનાર્થે મોટી સંખ્યામાં આવતાં હોય છે.