વડોદરા: વડોદરા શહેરના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી. મૂરજાણીએ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પરંતુ તેમને અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઇલમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે માનેલી પુત્રી અને તેની માતાના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. જે પોતાના પરિચિત વ્યક્તિઓને સોશિયલ મીડિયા દ્વારા મોકલવામાં આવી હતી. ઘટનાના ચાર દિવસ બાદ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે બીજી તરફ અંતિમ ચીઠ્ઠીમાં જેમના ત્રાસ, માર, દબાણ કરવા માટેનો ઉલ્લેખ છે તેવા માતા-પુત્રીને પાણીગેટ પોલીસે બંને ભાવનગરના ધાર્મિક સ્થાન પાસેથી પકડી લીધા હતા.
મોબાઈલ લોકેશનના આધારે માતા-પુત્રી પકડ્યા
પાણીગેટ વિસ્તારના PI હરિત વ્યાસની ટીમ ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સ થકી ચાર શંકાસ્પદ મોબાઇલ નંબર સુધી પહોંચી હતી. અને અલગ અલગ નંબર થકી માતા-પુત્રી સંપર્કમાં હોવાનું તપાસ કરતી ટીમના ધ્યાને આવ્યું હતું. નંબરના આધારે પોલીસ સૌરાષ્ટ્રના ભાવનગર સુધી પહોંચી હતી. અને તેઓને ધાર્મિક સ્થાનેથી માતા-પુત્રીને દબોચી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેને વડોદરા લાવવામાં આવ્યા હતા.