રાજકોટ: ઉપલેટા શહેરમાં વર્ષ 2021માં સગી કાકી દ્વારા એક 10 વર્ષની માસુમ બાળકીના માથાના ભાગે દસ્તાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાના આરોપની અંદર મુખ્ય આરોપી તરીકે જેમનું નામ હતું. એ માસુમ બાળકીની સગી કાકી તેમજ પુરાવાઓનો નાશ કરી મદદગારી કરવાના આરોપમાં સામેલ બાળકીના સગા કાકા અને પિતાને ધોરાજીની સેશન્સ કોર્ટમાં નિર્દોષ છુટકારો થયો છે. જેમાં આ કેસમાં રોકાયેલા વકીલોની દલીલો તેમજ ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ગ્રાહ્ય રાખી ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા બાળકીની સગી કાકી-કાકા અને પિતાનો નિર્દોષ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના: આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટામાં તારીખ 08-06-2021ના રોજ આયુષી નામની એક 10 વર્ષની બાળકીને દેરાણી જેઠાણીના કંકાશનો ભોગ બનવો પડ્યો હતો. જેમાં આ ઘરકંકાશને કારણે કાકીએ 10 વર્ષની માસુમ બાળકીના માથાના ભાગે દસ્તાના ઘા ઝીંકી હત્યા કરી નાખી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ તે જાતે દવાખાને લઈ ગઈ હતી અને આ બાળકી સીડી પરથી પડી ગઈ હોવાની કહાની કાકીએ ઉપજાવી કાઢી હતી. આ બાદ આ મૃત બાળકીના પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવતા સમગ્ર બાબતે ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં હત્યાના ગુનાની અંદર બાળકીની સગી કાકી તેમજ પુરાવાઓનો નાશ કરી મદદ કરવાના આરોપસર પોલીસે બાળકીના પિતા અને બાળકીના કાકાની ધરપકડ કરી હતી.
ધોરાજી સેશન્સ કોર્ટે આપ્યો ચુકાદો: ઉપલેટાના નિમાવત પરિવારના ચેતન નિમાવત અને મયુર નિમાવતની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં આ કેસની અંદર હત્યાના બનાવમાં ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મૃતક બાળકી આયુષીના સગા કાકા અને પિતાનો થોડા સમયની અંદર જામીન ઉપર છુટકારો થયો હતો. જે બાદ આ ચકચારીત હત્યા અંગેનો કેસ ધોરાજીની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ધોરાજી સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
લોખંડના દસ્તાથી ઘા ઝીંક્યા: આરોપ હતો કે ઉપલેટા શહેરની સર્વોદય સોસાયટીમાં સંયુક્ત કુટુંબની અંદર દેરાણી જેઠાણી વચ્ચે ચાલતી નાની મોટી તકરારને લઈને 10 વર્ષની સગીર વયની બાળકી આયુષીની કાકીએ બદલો લેવાના હેતુસર જેઠાણીની માસુમ પુત્રી રૂમમાં ટીવી જોતી હતી ત્યારે તેને કંઈક વસ્તુ આપું તેમ કહીને મકાનની છત ઉપર લઈ ગઈ હતી. જે બાદ આ આયુષીને બ્લેન્કેટમાં સુવડાવી માથાના ભાગે લોખંડના દોસ્તાના ઘા ઝીકતા આયુષી લોહી લુહાણ થઈ ગઈ હતી અને તેનું મૃત્યું થયુંં હતું. જે બાદ આ મૃતક આયુષીને ઢસેડીને પગથિયા પરથી નીચે મૂકી દઈ આયુષીની મમ્મીને બોલાવી આયુષી પગથિયેથી પડી જતા ઈજા થઈ હોવાની ખોટી કહાની ઊભી કરી હતી.