જામનગર: જામનગરના શંકરટેકરી વિસ્તારમાં માતાજીના મંદિર પાસે ગઇકાલે રાત્રીના ઉધોગપતિ મહાજન અગ્રણીની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી હતી. જે બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સેવાભાવી અગ્રણીની હત્યા થયાનું બહાર આવતા સમાજના આગેવાનો સહિતના હોસ્પિટલ દોડી ગયા હતા અને પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી જઇ વિગતો મેળવી આરોપીની શોધખોળ માટે ટુકડીઓ દોડતી કરવામાં આવી હતી. આ મામલે સીટી-સી ડીવીઝનમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના: જામનગરના દિ.પ્લોટ 42માં રહેતા ઉધોગકાર અને સેવાભાવી મનસુખભાઇ ખીમજીભાઇ ખીમસીયા (ઉ.વ.65) નામના મહાજન વૃઘ્ધ ગઇકાલે મોડી સાંજે શંકરટેકરી વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે ગયા હતા. ત્યાં કોઇ અજાણ્યા શખ્સે કોઇ કારણસર છરીના ઘા ઝીંકી દેતા તેઓ ઢળી પડયા હતા, તત્કાલિન 108 મારફતે જી.જી. હોસ્પિટલ લઇ જતા મૃત્યુ થયાનું જાહેર કરાયું છે, આ અંગેની જાણ થતા ઓશવાળ મહાજનના અગ્રણીઓ, મોક્ષ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિક્રમસિંહ ઝાલા સહિતના હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બીજી બાજુ બનાવની જાણ થતા સીટી ડીવાયએસપી ઝાલા, સીટી-સી ડીવીઝનના ઇન્ચાર્જ પીઆઇ ધાસુરા, સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડા, એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળ અને હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો. અને બનાવ સબંધે તપાસ હાથ ધરી હતી.