કચ્છ :સરહદી વિસ્તારમાં બે સુરક્ષા જવાનના મોત થતા ચકચાર મચી જવા પામી છે. લખપતના દલદલી વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે ડિહાઇડ્રેશનને કારણે બે BSF જવાનનું મોત થયાની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે.
બે BSF જવાનનું મોત :લખપત નજીકના અટ્ટપટા ક્રિક વિસ્તારમાં પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન ત્રણ જેટલા જવાનોને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. જેમાંથી એક જવાન અને અધિકારીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળતા સુરક્ષા જવાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ઘટના અંગે BSF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ :મરણ પામેલ BSF જવાનોમાં બિહારના 44 વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિષ્ણુ દેવ અને ઉત્તરાખંડના 49 વર્ષીય હેડ કોન્સ્ટેબલ દયાલ રામને ડિહાઇડ્રેશનની અસર થઈ હતી. ત્રણ જવાનોને ગંભીર હાલતમાં ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબે સારવાર પૂર્વે બે જવાનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ત્રીજા જવાનોનો જીવ બચી ગયો હતો.
BSF હવાલદાર દયાલ રામના નિધનથી ગામમાં શોકનું મોજું
મૃતક BSF હવાલદાર દયાલ રામ (Etv Bharat) લોહાઘાટના મલ્લ પાટના રહેવાસી હવાલદાર દયાલ રામ (49) અને બિહારના રહેવાસી સુબેદાર વિશ્વદેવ 19 જુલાઈએ કચ્છની ભારત-પાકિસ્તાન સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન અચાનક બીમાર પડ્યા હતા. અત્યંત ગરમી અને ડિહાઈડ્રેશનના કારણે બંને બેભાન થઈ ગયા હતા. બંનેને તરત જ સાથી સૈનિકો દ્વારા બીએસએફ કેમ્પમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. શનિવારે બીએસએફના અધિકારીઓ અને જવાનો દ્વારા બંને જવાનોને અંતિમ સલામી આપવામાં આવી હતી. હવાલદાર દયાલ રામના નિધનના સમાચાર તેમના પરિવાર સુધી પહોંચતા જ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
ફૂટ પેટ્રોલિંગ બાદ હાલત કથળી :બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અમિત કુમારે જણાવ્યું હતું કે, ખાવડા નજીક આવેલા બોર્ડર પિલર નંબર 1136 પાસે આ બનાવ બન્યો હતો. ડેપ્યુટી કમાન્ડન્ટ વિષ્ણુ દેવના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સવારે પાંચ વાગ્યે દયાલ રામ સહિતના કુલ પાંચ બીએસએફ જવાનોની ટીમ ફૂટ પેટ્રોલીંગમાં નીકળી હતી. વાદળછાયા વાતાવરણમાં ભારે બફારા અને ભેજયુક્ત વાતાવરણમાં ટીમ બપોરે પરત ફરતી હતી. તે સમયે પાણી ખૂટી પડતા ત્રણેયની હાલત કથળી અને ડીહાઈડ્રેશન થયું હતું.
પડકારજનક સ્થિતિમાં પેટ્રોલિંગ :સમગ્ર બનાવ અંગે BSF ઓફિસરને જાણ થતાં બપોરે તુરંત પાણીના જથ્થા, ORS અને દવાઓ વગેરે સામાન સાથે એક ટીમ મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના મામલે કચ્છના રણ અને ક્રિકયુક્ત સમુદ્ર વિસ્તારમાં BSF જવાનો ખૂબ પડકારજનક સ્થિતિમાં પેટ્રોલિંગ કરતા હોય છે. ભૂતકાળમાં પણ ક્રિક વિસ્તારમાં ફસાઈ જવાથી જવાનોના મૃત્યુ નીપજ્યા છે.
- કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, 10 ટકા આરક્ષણ અને ઉંમરમાં છૂટછાટ મળશે
- ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, જખૌના દરિયાઈ વિસ્તારમાંથી BSFને ફરી ચરસના 10 પેકેટ મળ્યા