ગુજરાત

gujarat

ETV Bharat / state

આદિવાસીઓનું દેશી કોલ્ડ સ્ટોરેજ "મોહટી", 50 વર્ષ સુધી અનાજ સંગ્રહ કરવાની બિન ખર્ચાળ પદ્ધતિ - TRIBAL SOCIETY MOHTI

લાંબા સમય સુધી અનાજ સંગ્રહ કરવા આદિવાસી સમાજના લોકો વાંસમાંથી નિર્મિત મોહટીનો ઉપયોગ કરે છે, જે દેશી કોલ્ડ સ્ટોરેજ જેમ કામ કરે છે.

આદિવાસીઓનું દેશી કોલ્ડ સ્ટોરેજ "મોહટી"
આદિવાસીઓનું દેશી કોલ્ડ સ્ટોરેજ "મોહટી" (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2024, 10:25 AM IST

Updated : Nov 11, 2024, 11:44 AM IST

છોટાઉદેપુર :ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓ પૈકીના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ મધ્યપ્રદેશ સરહદી વિસ્તારના પૂર્વપટ્ટીના આદિવાસી લોકો મોટેભાગે ખેતી કરીને ગુજરાન ચલાવે છે. અહીંના લોકો ખેતી ઉપજ ધાન્ય પાકો જેવા કે મકાઈ, તુવેર, જુવાર, ડાંગર, અડદ, બાજરી, બંટી, શામેલ, રાળો, ભેદી, કોદરા જેવા ધાન્ય પેદાશોને લાંબા સમય સુધી સારી અવસ્થામાં સંઘરી રાખવા માટે મોહટીનો ઉપયોગ કરે છે.

દેશી કોલ્ડસ્ટોરેજ "મોહટી" :અનાજ સંગ્રહ કરવા આદિવાસી લોકો મોહટીનો ઉપયોગ કરે છે. આમોહટી વાંસમાંથી બનાવવામાં આવે છે. જેમાં વાંસના ફડચા કરીને કામળા તૈયાર કરવામાં આવે છે. ઉપયોગમાં લેવાતા વાંસના કામળાને ગાય-બળદ કે ભેંસના મૂત્રમાં કેટલાક સમય સુધી પલાળી રાખવામાં આવે છે, જેથી અનાજ સંગ્રહ માટે બનાવવામાં આવતી મોહટી લાંબા સમય સુધી સારી અવસ્થામાં રહે છે. ત્યારબાદ કામળામાંથી જરૂરિયાત પ્રમાણે નાની નાની કાંમળી ઘડીને હાથવણાટથી મોહટી તૈયાર કરવામાં આવે છે.

આદિવાસીઓનું દેશી કોલ્ડ સ્ટોરેજ "મોહટી" (ETV Bharat Gujarat)

અનાજ સંગ્રહની અનોખી પદ્ધતિ :એક મોહટી તૈયાર કરવામાં આશરે ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. મોહટીમાં અનાજ ભરતા પહેલા માટી અને છાણનો ગારો બનાવીને અંદરના ભાગે લીપણ કરવામાં આવે છે. બાદમાં તેમાં અનાજ ભરવા સમયે અનાજ સાથે ચૂલ્હાની સફેદ રાખ અને કડવા લીમડાના ડોરાં ભેળવવામાં આવે છે, જેથી અનાજમાં જીવાત પડે નહીં અને અનાજ લાંબા સમય સુધી સારી અવસ્થામાં સુરક્ષિત રીતે રહી શકે. બાદમાં મોહટીના મુખના ભાગને માટી-છાણ સાથે ડાંગરના પરાળનો ઉપયોગ કરીને લીંપણ કરીને ડાંટો દઈ દેવાય છે. જ્યારે જરૂર પડે ત્યારે એક બાજુનો ડાંટો ખોલીને જરૂરિયાત પ્રમાણે અનાજ કાઢી શકાય.

અનાજ સંગ્રહ કરવાની બિન ખર્ચાળ પદ્ધતિ (ETV Bharat Gujarat)

50 વર્ષ સુધી અન્નસંગ્રહ :છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસીંગભાઈ રાઠવાએ ETV Bharat સાથે વાત કરતાં જણાવ્યું કે, વડીલો મુજબ પહેલાના સમયમાં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી ત્યારે અગમચેતી રૂપે મોહટીમાં ખાસ કરીને ડાંગર, ભેદી, બંટી, શામેલ, રાળો અને કોદરા જેવા ધાન્ય પાકનો સંગ્રહ કરતા. અનાજને 40-50 વર્ષ સુધી સારી અવસ્થામાં રાખી દુષ્કાળ જેવી સ્થિતિમાં પણ સુયોગ્ય વિકલ્પ થકી જીવન ટકાવી રાખવા આ ક્ષેત્રના આદિવાસીઓની આગવી સૂઝ અને અભિગમ રહ્યો છે.

મોહટી (ETV Bharat Gujarat)

આર્થિક સદ્ધરતાનું પ્રતિક :પહેલાના સમયે જ્યારે કોઈ વ્યક્તિ કે મહેમાન ઘરે આવે ત્યારે ઘરમાં મોહટીની સંખ્યા અને તેનું કદ જોઈને ઘરની આર્થિક સદ્ધરતા આંકી લેવાતી..! આમ મોહટી આદિવાસીઓ માટે આર્થિક સધ્ધરતાનું પણ પ્રતીક છે. તેમજ મોહટી આ વિસ્તારના આદિવાસી લોકો માટે અનાજને સાચવી રાખવા માટે એક લાંબા ગાળાના અને બિન ખર્ચાળ કોલ્ડ સ્ટોરેજની ગરજ સારે છે. મોહટી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસી લોકો માટે આજીવિકાનું સાધન બની રહે છે.

મોહટીની કિંમત અને સંગ્રહક્ષમતા :મોહટીની ખરીદી અને વેચાણ ખાસ કરીને દશેરા બાદ વધુ જોવા મળે છે. કારણ કે દશેરા બાદ જ આ વિસ્તારના લોકો વિવિધ ધાન્ય પાકની તબક્કાવાર લણણી કરે છે. ખાસ કરીને છોટાઉદેપુર, ઝોઝ, રંગપુર તથા કવાંટના અઠવાડીક હાટમાં મોટી સંખ્યામાં લોકો મોહટીની લે વેચ માટે આવે છે. એક મોહટીની કિંમત 400 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી હોય છે. મોહટીની સંગ્રહ ક્ષમતા અંદાજે 100 કિલોથી લઈને 2000 કિલો હોય છે.

અન્નદેવી કણી કણહેરીનું પૂજન :આદિવાસી સમાજના લોકો દેવ દિવાળી નિમિત્તે મોહટી પર દીવડા મુકીને ભારે આસ્થા સાથે અન્નદેવી કણી કણહેરીનું પૂજન કરે છે. આ પૂજન પાછળની માન્યતા એવી છે જે મોહટીમાંથી દાણા ખૂટે નહીં, ભર્યા ભંડાર રહે. આમ આદિવાસી લોકો અનાજ સડી ન જાય અને લાંબા સમય સુધી સારું રહે તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવણીની અનોખી કોઠાસૂઝ ધરાવે છે, જે સદીઓથી ઉપયોગમાં લેવાય છે.

  1. દિવાળી માટે આદિવાસી સમાજની પરંપરા, શું છે માવલી પૂજા ?
  2. વિશ્વ બામ્બુ દિવસ નિમિત્તે નવસારીમાં બામ્બુ વર્કશોપનું આયોજન
Last Updated : Nov 11, 2024, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details