રાજકોટ:રાજકોટના નાના મવા રોડ આવેલ TRP ગેમઝોનમાં ગત તારીખ 25 મે 2024ની સાંજના સમયે અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 શખ્સો સામે ગુનો નોધાયો હતો. જેમાં મહાનગરપાલિકના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી અને નિર્દોષ હોવાની રજુઆત કરી હતી. જેની સામે સ્પે. પી.પી તુષાર ગોકાણીએ મનસુખ સાગઠીયાએ 2008થી 2024 સુધી કરેલ ડિમોલિશન કાર્યવાહી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેની દલીલના અંતે જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવી છે.
સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલ કરી: બનાવની મળતી વિગત મુજબ રાજકોટ TRP ગેમઝોન ઘટનામાં જામીન પર છૂટવા મનસુખ સાગઠીયાએ કરેલ જામીન અરજીની આજે સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલ કરી હતી કે, ટીઆરપી ગેમઝોનનું ડિમોલિશન મનપાના કમિશનરે ન કર્યું. મારી પાસે ડિમોલિશનના પાવર્સ નથી. કમિશનર પાસે ડિમોલિશનની સત્તા છે. તેને આરોપી નથી બનાવાયા અગ્નિકાંડના આ કેસમાં મને ખોટી રીતે ફસાવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા આઈએએસ અને આઇપીએસ આધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા અવલોકન કરી રહી છે ત્યારે જ સાગઠિયાએ કરેલ બચાવ ફરી ચર્ચામાં રહેશે. આ તરફ કોર્ટ સમક્ષ સરકાર તરફે હાજર થયેલા સ્પે.પીપી તુષાર ગોકાણીએ વર્ષ 2008થી લઈ 2024 સુધીના સાગઠિયાએ કરેલા ડીમોલિશનના હુકમોનો રેકર્ડ રજૂ કરી દલીલ કરી કે, સાગઠિયાની જવાબદારી ફિક્સ છે. તેણે અગાઉ પણ આવી સ્થિતિમાં પોતાના સત્તા સ્થાનેથી આવા હુકમો કર્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ગેરકાયદે બાંધકામ ટીપીઓ દૂર કરી શકે છે. જવાબદારીની છટકવાની વાત છે.