અમદાવાદ : રાજકારણી બનેલા ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર અતિક્રમણના આરોપના કેસમાં ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. યુસુફ પઠાણના વકીલે ગુરુવારે કોર્ટ સમક્ષ દલીલ રજૂ કરી હતી. વડોદરાના પૂર્વ ભાજપના કાઉન્સિલર વિજય પવારે 13 જૂને આ મુદ્દો ઉઠાવતા આક્ષેપ કર્યો હતો કે, યુસુફ પઠાણે તેમના રહેઠાણની બાજુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદે કબજો કર્યો છે.
શું હતો મામલો ?વડોદરાના તાંદલાજા વિસ્તારમાં પઠાણ પરિવારનો બંગલો આવેલો છે. તેમના બંગલાની બરાબર બાજુમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો "ટાઉન પ્લાનિંગ 22 ફાઇનલ પ્લોટ 90" અનામત પ્લોટ છે. વર્ષ 2012માં યુસુફ પઠાણે પોતાનું સ્ટેબલ બનાવવા માટે કોર્પોરેશન પાસે આ પ્લોટની માંગણી કરી હતી. કોર્પોરેશને ઠરાવ પસાર કરીને યુસુફ પઠાણને આ પ્લોટ ફાળવવાની મંજૂરી આપી હતી. પરંતુ જ્યારે આ અરજી 2014માં ગાંધીનગર પહોંચી ત્યારે રાજ્ય સરકારે આ અરજીને ફગાવી દીધી અને આ પ્લોટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
મનપાના પ્લોટ પર અતિક્રમણનો આરોપ : યુસુફ પઠાણ પર કમ્પાઉન્ડ વોલ બનાવીને આ પ્લોટ પર કબજો કરવાનો આરોપ છે. વિજય પવારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આ ગેરકાયદે કબજો દૂર કરવા અને પ્લોટને કોર્પોરેશનના કબજામાં પરત લેવાની માંગણી કરી છે. આ બાબતે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, નોટિસ આપવામાં આવી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે કબજો છોડવામાં આવશે. આ મામલો કોર્ટમાં ગયો હોવાથી કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.
ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી :જેના પગલે 15 જૂને વડોદરાના અન્ય કાઉન્સિલર નીતિન દોંગાએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. મેમોરેન્ડમમાં તેમણે માંગ કરી હતી કે પઠાણ વિરુદ્ધ જમીન પચાવી પાડવાનો કેસ નોંધવામાં આવે. નીતિન દોંગાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, એમપી ફોર્મ ભરતી વખતે જે પ્રોપર્ટી ડેક્લેરેશન એફિડેવિટ ભરવાની હોય છે, તેમાં તેણે કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ પોતાની માલિકી તરીકે દર્શાવ્યો છે. આ અંગે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, તેઓએ આ મામલે નોટિસ આપી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.
- ગૂગલે વ્યક્તિની બાળપણની તસવીરોને અશ્લીલ ગણાવી ઈમેલ એકાઉન્ટ બ્લોક કર્યું
- કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટની અપીલ ફગાવી