વલસાડ:જૂના સમયમાં ગાયો અને તેમના ગૌવંશોનું ખૂબ જ મહત્વ હતું. પરિવારના સભ્યોની માફક બળદ ગાયોને સાચવવામાં આવતા હતા. લગ્નની જાન પણ બળદ ગાડામાં જ જતી હત. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આધુનિક સમયમાં જેમ જેમ માણસ પ્રગતિ કરતો ગયો, તેમ બળદોનું મહત્વ પણ ઘટી ગયું છે. હવે લોકો લગ્નની જાનમાં બળદ ગાડાની જગ્યાએ મોંઘીદાટ ગાડીઓનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ત્યારે ગૌશાળા ચલાવતા અને 112 ગૌવંશનું ભરણ પોષણ કરનારા સંચાલકના પુત્રના લગ્નમાં લોકોને ગૌવંશ બચાવવાનો ઉમદા સંદેશ પહોંચે, એવા હેતુ સાથે જ્યાં લગ્નમાં લોકો લાખો રૂપિયા ખર્ચી મોંઘીદાટ કારનો ઉપયોગ કરી લેતા હોય ત્યાં, ઉમરસાડીના રહીશે પુત્રની જાન બળદ ગાડામાં વરરાજાને બેસાડી કાઢતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું.
પારડીના પરીયા ડુંગરી રોડ ઉપર જાન નીકળી:વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયા ગામે ડુંગરી રોડ ઉપર બળદગાડામાં જાન નીકળી હતી. જેને જોવા માટે અનેક લોકો ભેગા થયા હતા. મૂળ ઉમરસાડીના રહીશ અને ગૌવંશ માટે વિશેષ ગૌશાળા ચલાવતા સંદીપ દેસાઈના પુત્રના લગ્ન હતા અને સંદીપભાઈએ ગૌવંશને બચાવવાનો સંદેશો આપ્યો છે તેમણે કહ્યું કે, મોટાભાગે બળદોને કતલખાને રવાના કરી દેવાય છે. બળદનો ખેતીમાં યોગ્ય ઉપયોગ થવો જોઈએ.
વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન (etv bharat gujarat) નંદીને બચાવવા માટે ગૌશાળા ખોલી:ઉમરસાડીમાં સંદીપભાઈ દેસાઈએ કામધેનુ ટ્રસ્ટના નામે એક નંદી આશ્રમ ખોલ્યો છે. વાછરડા, બળદ, બીમાર ગાય, ચાર આંચળ વળી ગયેલા હોય તેવી ગાય, ગાભણ નહી રહેતી હોય એવી ગાય મળીને કુલ 112 ગૌવંશની સેવા ચાકરી કરે છે. સંદીપ દેસાઈના પુત્રના લગ્ન હોય અને તેઓ લોકોને એવો મેસેજ આપવા માંગતા હતા. કળિયુગમાં બળદની કોઈ સેવા કરતું નથી. ખેતીમાં મોટાભાગે ઉપયોગ કરતા નથી. એટલે તે 100 ટકા કતલખાને જાય છે. લોકો બળદનો ઉપયોગ ખેતી કામ માટે કરે એવા ઉમદા હેતુ સાથે તેમના પુત્રની જાન બળદ ગાડામાં કાઢવામાં આવી હતી.
વલસાડમાં ગૌવંશને બચાવવાના સંદેશ સાથે બળદ ગાડામાં નીકળી જાન (etv bharat gujarat) પરીયા ગામે આધાર ટ્રસ્ટમાં લગ્ન:પરીયા ખાતે આવેલા આધાર ટ્રસ્ટના મેરેજ હોલમાં વિવેકભાઈ દેસાઈના લગ્ન હતા. આ લગ્ન પ્રસંગે ડુંગરી રોડ ઉપરથી બેન્ડવાજા સાથે બળદગાડામાં બેસીને સંદીપ દેસાઈના પુત્ર વિવેક દેસાઈએ જાન કાઢી હતી. વાજતે ગાજતે નીકળેલી જાનમાં મોટી સંખ્યામાં તેના સગા વહાલાઓ પરિજનો અને મિત્રો જોડાયા હતા. બળદ ગાડામાં નીકળેલી જાનને જોવા માટે લોકોમાં કૌતુક જોવા મળ્યું હતું.
વર્તમાન સમયમાં મોંઘીદાટ કારમાં જાન નીકળે છે: લગ્નસરાની સીઝન ચાલી રહી છે, ત્યારે વરરાજા પોતે લગ્નમાં પોતાની એન્ટ્રી પાડવા માટે અનેક પ્રકારના ગતકડાંઓ હાથ ધરતા હોય છે. કોઈક મોંઘીદાટ કારમાં, કોઈક હેલિકોપ્ટરમાં, કોઈક JCBમાં કોઈક પરંપરાગત રીત રિવાજ મુજબ જાનમાં નીકળતા હોય છે, ત્યારે વલસાડના પરીયા ગામે નીકળેલી વરરાજાની જાન બળદગાડા પર કાઢવામાં આવી હતી.
પરંપરા જળવાઈ અને સમાજમાં સારો સંદેશો જાય એ હેતુ: ETV BHARAT સાથે વાતચીત કરતા સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે, વર્ષો પહેલા તેમના બાપદાદાઓ પણ જ્યારે મોટરકાર ન હતી. એવા સમયે બળદગાડામાં જ જાન લઈને નીકળતા હતા. તે પરંપરા પુનઃ અમે જાળવી રાખી છે. એટલું જ નહીં વૃષભ એટલે કે, બળદને અને ગૌવંશને લોકો બચાવે અને તેની સેવા કરે, એવો ઉમદા મેસેજ પણ સમાજને અમે આપવા માંગીએ છીએ. એવા હેતુથી બળદગાડામાં જાન લઈ જવાનું નક્કી કરાયું હતું. જે માટે પુત્ર વિવેકભાઈએ પણ પોતાની મરજી દર્શાવી હતી. આમ જ્યાં લગ્ન પ્રસંગમાં લોકો લાખો રૂપિયા અને કરોડો રૂપિયા ખર્ચને કંઈક નવું કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. ત્યારે જૂની પરંપરા અને સમાજમાં એક સારો સંદેશો જાય. એવા ઉમદા હેતુ સાથે દેસાઈ પરિવાર દ્વારા બળદ ગાડામાં જાન નીકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ પણ વાંચો:
- મધ્યાહન ભોજનના સડેલા ચણાનો વિડીયો થયો વાયરલ, તંત્ર સફાળે જાગ્યું
- અનેક રાજ્યોમાં આતંક મચાવનારી 'મદારી ગેંગ' ઝડપાઈ, એક ટ્રિકથી મહિલાઓને ભોળવીને દાગીના પડાવી લેતા