બીલીમોરા: ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો મોતને આમંત્રણ આપે એવી સ્થિતિ બને છે. ત્યારે બીલીમોરામાં પણ વખારિયા બંદર વિસ્તારમાં પાલિકાની લાપરવાહીને કારણે ખુલ્લી ગટર એક બાળકીના મોતનું કારણ બની છે. ગતરોજ બપોરે 2 વાગ્યાની આસપાસ રમતા રમતા શાહીન શેખ ભારે વરસાદમાં ખુલ્લી ગટરમાં પડી હતી. ગટરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બાળકી તણાવવા લાગી હતી. અંદાજે બે થી અઢી ફૂટના ડાયામીટરના પાઇપમાંથી બાળકી ગટરમાંથી અંબિકા નદીમાં પહોંચી ગઈ હતી.
બાળકી ઘરે ન પહોંચતા પરિવાર બાળકીને શોધવા નીકળ્યો અને છેક સાંજે વિસ્તારના સીસીટીવી તપાસતા બાળકી ખુલ્લી ગટરમાં ડૂબી ગઈ હોવાનું જણાયું હતુ. ત્યારબાદ બીલીમોરા ફાયર તેમજ તંત્રની ટીમ બાળકીને શોધવા કામે લાગી હતી. પરંતુ બાળકી ગટરમાં તણાઈને વખારિયા બંદર નજીક અંબિકા નદીમાં પહોંચી ગઈ હોવાની સ્થિતિ જાણતા આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીનો મૃતદેહ શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ ફાયર વિભાગને પણ સફળતા ન મળતા આખરે વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફની 20 જવાનોની ટુકડીને અંબિકા નદીના પટમાંમાં બાળકીના મૃતદેહને શોધવા માટે હવાલો સોંપવામાં આવ્યો હતો.
સમગ્ર ઘટના બન્યાને 22 કલાક વિત્યા બાદ વઘારીયા બંદર પાસે વાડીયા શિફ્ટ યાર્ડ ખાતેથી મૃતક બાળકીનું મૃતદેહ મળ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા જ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી હતી. પિતા અજીતે બાળકીના મૃતદેહ ઊંચકી ગળે લગાડી લીધો હતો. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે બીલીમોરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.