ગાંધીનગરઃગાંધીનગરમાં ફરી એકવાર ટેટ-ટાટ ઉમેદવારોએ ધામા નાખ્યા છે. શિક્ષકોની ભરતી તાત્કાલિક શરૂ કરવાની માંગણી સાથે મોટી સંખ્યામાં ભાવિ શિક્ષકો ગાંધીનગર ઉમટી પડ્યા છે. આજે શિક્ષક દિનના દિવસે ભાવિ શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે. ચ.3 થી ઘ.3 ના રસ્તા પર ટેટ ટાટ ઉમેદવારો ધરણાં પર બેઠા છે. શિક્ષકોને રસ્તા પર જોઈને ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે એક રસ્તો બંધ કરાવ્યો છે. ઉમેદવારોએ શિક્ષણ મંત્રી અને મુખ્ય મંત્રી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે.
24700 શિક્ષકોની ભરતીની જાહેરાતનું શું થયું? વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે શિક્ષક દિવસ છે. શિક્ષક દિવસે શિક્ષકો સડક ઉપર ઉતર્યા છે. પરંતુ ગુજરાતની રાજ્ય સરકારે ભાવિ શિક્ષકોને સડક ઉપર આવવા માટે મજબૂર કર્યા છે. સાડા ત્રણ માસ પહેલા ગુજરાત સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સરકારે ભરતીની જાહેરાત કરતા આંદોલન સમાપ્ત કરવામાં આવ્યું હતું. સરકારે જાહેરાત કરી બાદ પણ હજી સુધી ભરતીની પ્રક્રિયા શરૂ થઈ નથી. તેથી અમે આજે રસ્તા પર ઉતાર્યા છીએ. શિક્ષણ મંત્રીના વિસ્તારમાં 107 એવી શાળાઓ છેકે જ્યાં ફક્ત એક શિક્ષકથી ચાલે છે. જે શિક્ષણ મંત્રી પોતાને વિસ્તારની શાળાનો ઉદ્ધાર ન કરી શકતા હોય તે શિક્ષણ મંત્રી રાજ્યની શાળાઓનો ઉદ્ધાર કેવી રીતે કરી શકે તે મોટો પ્રશ્ન છે.
ભૂતકાળમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું. આંદોલન બાદ કેબિનેટની મિટિંગમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શૈક્ષણિક વર્ષ 2024-25માં રાજ્યભરની સરકારી પ્રાથમિક, સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના સમયબદ્ધ આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો હતો. ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી હતી.
કેવી હતી ભરતીની વાતો?: મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો હતો. આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય (HMAT PASS ઉમેદવારો)ની 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. 01/08/2024 રહેશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક (TAT HIGHER SECONDARY પાસ ઉમેદવારો)ની કુલ મળીને અંદાજે 4000 જેટલી જગ્યાઓ જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 750 અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે 3250 જગ્યાઓનો સમાવેશ થાય છે. તેની સંભવિત જાહેરાતની તા. 01/09/2024 રહેશે.
આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 3500 જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.01/10/2024 રહેશે. જેમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક (TAT SECONDARY પાસ ઉમેદવારો)ની 3000 જગ્યા માટે ભરતી જાહેરાત થશે.
સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે TET-2 પાસ ઉમેદવારો માટેની અંદાજે 7000 જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. 01/11/2024 રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. 01/11/2024ના રોજ જાહેરાત કરાશે.