વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના હિમાયતી છે આચાર્ય વનિતાબેન રાઠોડ (Etv Bharat Gujarat) રાજકોટ:શહેરના નાના મવા રોડ પર આવેલી એક એવી સરકારી શાળા જે ખાનગી શાળાઓને પણ ટક્કર આપી રહી છે, મોકાજી સર્કલ પાસે આવેલી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93 વર્ષ 1954 માં નિર્માણ પામી હતી. જોકે વર્ષ 2012 માં HTAT ઉમેદવાર વનિતાબેન રાઠોડની નિમણૂક થઈ. જે સમયે 3 ઓરડા અને 300 વિદ્યાર્થીઓ હતા.
નાના મવા રોડ પર મોકાજી સર્કલ પાસે આવેલી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93 (Etv Bharat Gujarat) સરકારી શાળાની કરી કાયાપલટ: જોકે મહિલા આચાર્યના વનિતાબેન રાઠોડના પ્રયાસોથી આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો. વર્ષ 2021માં આ શાળાના મહિલા આચાર્યને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત થયો. બાદમાં વર્ષ 2023માં એપ્રિલ માસમાં આ શાળાની પીએમ શ્રી પ્રોજેક્ટમાં પસંદગી થઈ. જેથી હાલ આ શાળામાં નવી બેન્ચીસ, કોમ્પ્યુટર લેબ, મેથ્સ અને સાયન્સ કોર્નર છે. વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર વિઝીટ અને અહીં એક્સપર્ટ ટોક પણ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓ ફ્રી માં પ્રવાસ કરી શકે છે શોર્ટ ફિલ્મ બનાવે છે, અને રમતગમત ક્ષેત્ર પણ વિદ્યાર્થીઓ સીટી હાંસલ કરી શકે તે માટે બાસ્કેટબોલ નો પોલ અને એથ્લેટીક્સ ગ્રાઉન્ડ પણ છે.
વર્ષ 2023માં શાળાની પીએમ શ્રી પ્રોજેક્ટમાં પસંદગી થતાં શાળાની થઈ કાયાપલટ (Etv Bharat Gujarat) શાળામાં 3 ઓરડા અને 300 વિદ્યાર્થી હતા: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93ના આચાર્ય વનિતાબેન રાઠોડે જણાવ્યુ હતું કે, આ શાળા 1954 થી કાર્યરત છે અને 2012 માં HTAT આચાર્ય તરીકે આ શાળામાં ભરતી થઈ હતી ત્યારે આ શાળામાં માત્ર 3 ઓરડા જ હતા. 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તે વખતે કુમાર અને કન્યાના અલગ સેનિટેશનની વ્યવસ્થા પણ ન હતી. બાદમાં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વિવિધ ઇનોવેશન કરાવવામાં આવ્યા. શાળામાં ખૂટતી ભૌતિક સુવિધાઓ બાબતે સરકારને રજૂઆતો અને દાતાઓનો સંપર્ક કર્યો.
વર્ષ 2021માં આચાર્ય વનિતાબેન રાઠોડને મળ્યો છે રાષ્ટ્રપતિ એવોર્ડ (Etv Bharat Gujarat) હાલ 850થી વધુ વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ:આ શાળાના વિકાસ માટે વર્ષ 2012 થી અત્યારસુધી કાર્યરત છીએ. વર્ષ 2021માં મને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. હાલ શાળાની સંખ્યા 300 થી વધી 900 સુધી પહોચી છે. દર વર્ષે નવા એડમિશન આ શાળામાં હોય છે. દર વર્ષે 100 થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી અમારી સરકારી શાળામાં પ્રવેશ મેળવે છે. આ વર્ષે બાલવાટીકા અને ધોરણ 1 ની સંખ્યા 150 જેટલી છે. ખાનગી શાળા છોડી આ વર્ષે 104 વિદ્યાર્થીઓએ અહીં પ્રવેશ મેળવ્યો છે. હાલ શાળામાં 850 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓ વિકસાવી
આ શાળામાં એકેડમિક પ્રવૃતિઓની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. ખેલ મહાકુંભ, કલા મહોત્સવ, સ્કૉલરશીપ માટેની NMMSની પરીક્ષા, જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના સહિતની પરીક્ષાની તૈયારી સ્કૂલના 22 જેટલા શિક્ષકો દ્વારા કરાવવામાં આવે છે. જેમાં 21 શાળાના શિક્ષકો અને 1 ખેલ સહાયક છે. બાલમિત્ર પણ ફરજ બજાવે છે. NMMSમાં 3 બાળકો મેરીટમાં સ્થાન પામ્યા છે. ખેલ મહાકુંભમાં બાળકો રાજ્યકક્ષા સુધીના ઈનામો જીત્યા છે. નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષામાં દર વર્ષે 2 થી 3 વિદ્યાર્થીઓ પાસ થાય છે.
પીએમ શ્રી પ્રોજેકટમાં પસંદગી પામી શાળા: એપ્રિલ, 2023 માં શાળા પી.એમ. શ્રી પ્રોજેકટમાં પસંદગી પામી. શાળાની વિવિધ પ્રવૃતિઓ અને અહી વિદ્યાર્થીઓ માટેની ભૌતિક સુવિધાને કારણે પસંદગી થઈ હતી. પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઈન્ડિયા તરીકે વિનોબા ભાવે શાળાને પ્રસિધ્ધિ અપાવવા કાર્યરત છીએ. ડિસેમ્બર, 2023 પછી ગ્રાન્ટ આવી. જેમાં રૂ.11 લાખ જેટલી રકમ મળી હતી. જેમાંથી શાળામાં રમત ગમતના સાધનો ખરીદવામાં આવ્યા. સ્પોર્ટ્સ માટેના 2 મેદાનો બનાવવામાં આવ્યા. જેમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ અને બાસ્કેટબોલ પોલ બનાવવામાં આવ્યો. પૂરી શાળાને પેઈન્ટીંગ કરવામાં આવી. બાળવાટિકાના વર્ગમાં પેઈન્ટીંગ કરવામાં આવ્યુ. શાળાને ગ્રીન સ્કૂલ બનાવવામાં આવી છે. શાળાના વેસ્ટ કચરામાંથી કમ્પોઝડ ખાતર બનાવવામાં આવ્યુ. એકસ્પોઝર અને ફિલ્ડ વિઝિટ બાળકોને કરાવવામાં આવી રહી છે. 3 પ્રવાસ ફ્રી માં કરાવવામાં આવ્યા. ધોરણ મુજબ બાળકોએ વિવિધ જગ્યાઓએ મુલાકાત કરી. નર્સરી વિઝિટ બાદ ત્યાં ગયેલા વિદ્યાર્થીઓએ અન્ય છાત્રોને અલગ અલગ પ્રકારની વનસ્પતિ અંગે માહિતી આપી. શાળામાં 18 વર્ગખંડ છે. જેમાંથી 13 સ્માર્ટ ક્લાસ છે.
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ: વિદ્યાર્થીઓ રેડિયોમાં બાળસભા મારફત લોકો સુધી પહોચે છે. શાળામાં મેથ્સ અને સાયન્સ કોર્નર છે. હવે શાળા કક્ષાએ ગણિત - વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવશે. જેથી દરેક વિદ્યાર્થી તેમાં ભાગ લઈ શકશે. બાળક પોતાનો ઇનોવેટિવ આઇડિયા રાષ્ટ્રીય કક્ષાએ ઇનોવેશન સેલમાં રજૂ કરે છે. ગત વર્ષે 6 વિદ્યાર્થીના ઇનોવેટિવ આઇડિયા રજૂ થયા છે જો તે પસંદગી પામશે તો તે પ્રોજેકટ માટે રૂ.2 લાખની ગ્રાન્ટ મળશે. અહીં દીકરીઓને સેલ્ફ ડિફેન્સ માટેની તાલીમ આપવામાં આવે છે. સાથે જ દીકરીઓને સેનેટરી પેડ માટેના વેન્ડિંગ મશીન રાખવામા આવ્યા છે. બાળકોના હિમોગ્લોબિન તપાસી સપ્લીમેન્ટ ફૂડ આપવામાં આવે છે. કોમ્પ્યુટર લેબમાં તાલીમ અપાય છે. શાળામાં તજજ્ઞોની એક્સપર્ટ ટોક રાખવામા આવે છે. શાળાના બાળકો દ્વારા શોર્ટ ફિલ્મ નિર્માણ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે. શિક્ષકો અને આચાર્યોને ખાસ તાલીમ આપવામાં આવે છે.
- જામનગરના આ દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમઃ 'પોતાનું બાળક સમજી ભણાવજો' - Teachers Day 2024
- ભુજની સરકારી શાળાના અનોખા શિક્ષક, ટેકનોલોજી અને એક્ટિવિટીના માધ્યમથી કરાવે છે અભ્યાસ - TEACHERS DAY 2024