બનાસકાંઠા:રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ આગળ વધે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયા શિક્ષણ પાછળ વાપરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત થઈ રહી છે, પરંતુ કેટલીક વાર એવી ઘટનાઓ શિક્ષણને લગતી સામે આવતી હોય છે જેના કારણે સમગ્ર શિક્ષણ જગત શર્મસાર થતું હોય છે. દાંતા વિસ્તારમાં એક શિક્ષિકા અમેરિકામાં રહેતી હોવા છતાં પણ પાનસા પ્રાથમિક શાળા ખાતે ઘણા વર્ષોથી અન્ય શિક્ષક ફરજ બચાવી પગાર લેતા હતા. તેની તપાસ તો હજુ ચાલી રહી હતી તે સમયે સરહદી વિસ્તારમાં પણ શિક્ષકને લઇ વિવાદ સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી ઉચ્ચપા પ્રાથમિક શાળા ખાતે છેલ્લા બે વર્ષથી દર્શન પટેલ નામનો શિક્ષક ફરજ બજાવતો નથી. તેમ છતાં પણ બે વર્ષથી ઉચપા પ્રાથમિક શાળા ખાતે આ શિક્ષકની કાયમી હાજરી બોલાય છે.
વાલીઓએ અનેક વાર ઉચ્ચકક્ષાએ શિક્ષક બાબતે રજૂઆત કરી:ઉચ્ચપા ગામના લોકોનું માનવું છે કે, છેલ્લા બે વર્ષથી શાળામાં શિક્ષક હાજર નથી તેમ છતાં પણ શાળામાં કાયમી શિક્ષકની હાજરી બોલાય છે. બે વર્ષથી શિક્ષક ન હોવાના કારણે બાળકોના અભ્યાસ પર પણ મોટી અસર પડી રહી છે. આ બાબતે વાલીઓએ અનેક વાર ઉચ્ચકક્ષાએ શિક્ષક બાબતે રજૂઆત કરી હોવા છતાં પણ જિલ્લા શિક્ષણ વિભાગને જાણે સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓની પડી જ ના હોય તેમ આ શિક્ષકની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આજે પણ છેલ્લા બે વર્ષથી ઉચપા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકની હાજરી સતત હાજર બોલી રહી છે જેના કારણે હાલમાં વિવાદ સામે આવ્યો છે. અને તાત્કાલિક ધોરણે આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરી અને અન્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવે તેવી હાલ વાલીઓ માંગ કરી રહ્યા છે.