ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના પાંચ IASના શંકાસ્પદ મેડિકલ રિપોર્ટની થશે ફેર તપાસ - Gujarati News

સામાન્ય પરિવારના લોકોને એક સરકારી નોકરી મેળવવા તો ઠીક પરીક્ષા આપવાના પણ ફાંફા પડી જતા હોય છે ત્યાં હવે છેલ્લા કેટલાક સમયથી સિવિલ સર્વિસિસને ક્લીયર કરીને હાલ પદ અને મોભો ભોગવી રહેલા ઘણા ઉચ્ચ અધિકારીઓના મેડિકલ રિપોર્ટ્સ ખોટા હોવાની બુમો પડી રહી છે. આવા સંજોગોમાં હવે ગુજરાતમાં મોટો નિર્ણય લેવાયો છે...

IAS અધિકારીઓ શંકાના દાયરામાં
IAS અધિકારીઓ શંકાના દાયરામાં (Etv Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 6:00 PM IST

ગાંધીનગરઃમહારાષ્ટ્રના વિવાદાસ્પદ પૂર્વ IAS પૂજા ખેરકર વિવાદ બાદ રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. પૂર્વ આઇએએસ પૂજા ખેડકર કાંડ બાદ હવે ગુજરાતીમાં પણ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગુજરાતના અંદાજીત પાંચ આઇએએસ અધિકારીઓના ફરીથી મેડિકલ તપાસ કરાવવાના આદેશ કરાયા છે. આ આદેશ એટલા માટે અપાયો છે કેમ કે એવા આરોપો લાગ્યા હતા કે ખોટા વિકલાંગ સર્ટિફિકેટના આધારે તેઓ સિવિલ સર્વિસમાં ભરતી થયા હતા.

એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે વ્યક્ત કરી શંકાઃઆઇએએસ પૂજા ખેડકરની ઘટના બાદ ગુજરાતના પાંચ આઇએએસ અધિકારીઓના વિકલાંગ સર્ટિફિકેટ અંગે ગુજરાત સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે શંકાઓ વ્યક્ત કરી હતી. એક વરિષ્ઠ અધિકારીએ દૃષ્ટિહીનતા જ્યારે ત્રણ જુનિયર અધિકારીઓએ તેમના વિકલાંગ સર્ટિફિકેટમાં લોકોમોટિવ ડિસેબિલિટીના કારણો ટાંક્યા હતા.

ફેર તપાસની સિક્રેસી જાળવવા મથામણઃ સામાન્ય વહીવટ વિભાગના સ્કેનરમાં આવેલા પાંચ IAS અધિકારીઓ દિવ્યાંગ મેડિકલ સર્ટિફિકેટ બાબતે કેન્દ્ર સમક્ષ માર્ગદર્શન માગવામાં આવ્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગને પત્ર લખી આ બાબતની ખરાઈ કરવા તેમજ શંકાના દાયરામાં આવેલા 5 IAS ના મેડિકલ ચેકઅપ ફરી કરવાની સૂચના પત્ર દ્વારા આપવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તો બીજી તરફ ગુજરાત સરકારના વહીવટી વિભગોમાં ફરજ બજાવતા અને શંકાના દાયરામાં આવેલા 5 આઇએએસ અધિકારીઓના મેડિકલ ચેકઅપ કરવાનો નિર્ણય પણ અંદરખાને લેવાઈ ગયો છે. આ તમામના મેડિકલ ચેકઅપ પણ રાજકોટ એમ્સ અથવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવશે. જોકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ ગુજરાત આવી રહી છે. તેના મોનિટરીંગ હેઠળ તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. એટલુ જ નહીં આ પ્રક્રિયામાં રાજ્ય સરકારના એકપણ IAS અધિકારીને જવાબદારી સોંપવામાં નહીં આવે. પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી કરવામાં આવશે.

રાજ્યમાં હાલ 5 IAS શંકાના દાયરામાં આવ્યા છે. પરંતુ આ સંખ્યા 5 થી વધુ થવાની પણ સંભાવનાઓ છે. જેમાં 1 IPS અને 1 IFS અધિકારીઓ પણ ખોટા સર્ટિફિકેટ મેળવી ફરજ બજાવતા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

વિકલાંગ સર્ટિ ફરી રજૂ કરવું પડશેઃ ગુજરાતમાંથી પાંચ આઇએએસ અધિકારીઓએ ફરીથી તેમનું વિકલાંગ સર્ટિફિકેટ પાછું રજૂ કરવું પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મહારાષ્ટ્રમાં આઇએએસ અધિકારી પૂજા ખેડકરના કૌભાંડ બાદ ઓલ ઇન્ડિયા સર્વિસિઝના તમામ અધિકારીઓને ફરીથી મેડિકલ તપાસ કરાવી દિવ્યાંગ સર્ટિફિકેટ મેળવવા નિર્દેશ કર્યો છે. રાજ્યમાં તમામ આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓ કે જેમણે વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે. તેમણે ફરીથી મેડિકલ ટેસ્ટ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ફરીથી આ નવું વિકલાંગ સર્ટિફિકેટ યુપીએસસી સમક્ષ રજૂ કરવાનું રહેશે.

દિવ્યાંગતામાં સમયાંતરે થતો ફેરઃ ગાંધીનગર સામાન્ય વહીવટ વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર દિવ્યાંગતાએ સમયાંતરે શારીરિક અને ટેકનોલોજીકલ બદલાવને કારણે વધઘટ થઈ શકે છે. જેમકે એક સમયે મોતિયોએ ખૂબ ગંભીર બીમારી હતી. આજે મોતિયો સામાન્ય બીમારી છે. ભૂતકાળમાં જ્યારે અધિકારીઓએ મેડિકલ ટેસ્ટ કરાવ્યું હોય ત્યારે તેમનું કોઈ અંગ કામ કરતું ન હોય તો તેને વિકલાંગ સર્ટિફિકેટ મળે છે. પરંતુ મેડિકલ ક્ષેત્રમાં વિકાસને કારણે તેમનું ખરાબ અંગ કાઢીને તેમના સ્થાને નવું અંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો તેની દિવ્યાંગતા ઓછી થઈ શકે છે. પરંતુ અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ તે ઉમેદવાર દિવ્યાંગ ગણાય છે.

IAS અધિકારીઓના મેડિકલ ટેસ્ટ સામાન્ય રીતે મેડિકલ બોર્ડ અથવા દિલ્હી એમ્સ હોસ્પિટલમાં થતા હોય છે. અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં મેડિકલ બોર્ડ છે. ત્યાં તબીબોની પેનલ સમક્ષ વિવિધ શારીરિક પરીક્ષણો થતા હોય છે. તેથી આ પરીક્ષણોમાં ભૂલ થવાની સંભાવનાઓ ખૂબ ઓછી હોય છે.

  1. બ્રિજ બનાવ્યા છે કે ભ્રષ્ટાચારના ખાડાઃ મહેસાણા-અમદાવાદના આ બ્રિજ પર સાચવજો, જાણો લોકો શું કહે છે - Ahmedabad to Mehsana road
  2. લ્યો બોલો...આઝાદીના 75 વર્ષ બાદ પણ એસટી સેવા માટે જંખતું આ ગામ - village yearn for ST services

ABOUT THE AUTHOR

...view details