કચ્છ :ભચાઉના 6 નશાબંધીના કેસમાં વોન્ટેડ બુટલેગર સાથે દારૂની ખેપ મારતા વખતે પોલીસે અટકાવતા પોલીસ પર થાર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપી નીતા ચૌધરી લાપતા થઈ જતાં પૂર્વ કચ્છ પોલીસમાં દોડધામ મચી જવા પામી છે.
નીતા ચૌધરીના જામીન રદ્દ :હત્યાના પ્રયાસના ગુનામાં નીતા ચૌધરીને નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. પરંતુ પોલીસે જામીન રદ્દ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં આરોપી નીતા ચૌધરીને મળેલા જામીન ગઈકાલે સવારે રદ્દ કરી તેને કસ્ટડીમાં લેવા હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા જ્યારે કસ્ટડી લેવા માટે આદેશ કરવામાં આવ્યો ત્યારે નીતા ચૌધરી કોર્ટમાં હાજર નહોતી.
નીતા ચૌધરી લાપતા !ભચાઉ પોલીસ નીતા ચૌધરીના ઘરે તેની અટકાયત કરવા પહોંચી ત્યારે આદિપુરમાં પોલીસ લાઈનમાં રહેતી નીતા ચૌધરીનું ઘર બંધ હતું. ત્યારબાદ પોલીસે આરોપીને શોધવા ઠેર ઠેર પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ તે લાપત્તા જણાઈ આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદિયાએ જણાવ્યું કે, આરોપી નીતા ચૌધરી પાલનપુર બાજુના વતની છે, ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના પતિને પણ નીતા ચૌધરી ક્યાં છે તે અંગે જાણ નથી.
પોલીસે સર્વેલન્સ ગોઠવ્યું :ઉલ્લેખનીય છે કે, આરોપીનો મોબાઈલ ફોન પોલીસના કબજામાં છે. નીતા ચૌધરીને પકડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની વિવિધ પોલીસ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીના સંભવિત સંપર્કો અને સ્થળ પર પોલીસે સર્વેલન્સ ગોઠવી દીધું છે. પૂર્વ કચ્છ પોલીસે નીતા ચૌધરીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. તો LCB, SOG, અને ભચાઉ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવાઈ છે. આરોપીને ઝડપી પાડવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
- ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આપેલા જામીન કર્યા રદ
- ચકચારી દારૂબંધી કેસમાં મહિલા પોલીસ કર્મચારી અને બુટલેગરના 2 દિવસના રિમાન્ડ મંજૂર