ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટડીના ગામમાં 150 વર્ષ જૂની પરંપરા: નવા વર્ષે ફટાકડા ફોડી ગાયોને ઉશ્કેરીને ગોવાળ પાછળ દોડાવાય છે - PATADI VADGAM VILLAGE

આ દોડમાં પ્રથમ આવનાર ગોવાળનું પાઘડી પહેરાવી સન્માન કરવ‍ામાં આવે છે.

વડગામ ગામમાં ગાયો દોડાવવાની પરંપરા
વડગામ ગામમાં ગાયો દોડાવવાની પરંપરા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2024, 6:18 PM IST

સુરેન્દનગર:પાટડી તાલુકાના વડગામ ગામે 150 વર્ષથી એટલે કે, રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષના દિવસે ગ‍ામના ભાગોળે ગાયોની દોડ હરીફાઇ યોજાઇ હતી. જેમાં બેસતા વર્ષે 300થી વધારે ગાયોના શીંગડાઓમાં ઘી લગાડવાની સાથે પરંપરાગત રીતે એમનો શણગાર કરી જૂથ પ્રમાણે ગોવાળ સાથે દોડાવવામાં આવી હતી. આ અનોખી હરીફાઇમાં પ્રથમ આવનાર ગાયનાં ગોવાળને પાઘડી પહેરાવીને આગવી રીતે સન્માન પણ કરવામાં આવે છે.

150 વર્ષથી ચાલી આવે છે ગાય દોડાવવાની પરંપરા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 150 વર્ષ જૂની રાજા રજવાડાના પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ અનોખી પરંપરા મુજબ ગામના ભાગોળે ગોવાળોનો સમૂહ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. વિક્રમ સંવતનું વર્ષ આજે ડીજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચીન પરંપરાઓ જીવંત છે. બેસતા વર્ષના દિવસે ગોવાળો સાથે ગાયો દોડાવવી આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે. ગામની મહિલાઓ, પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે.

150 વર્ષથી ગાય દોડાવવાની પરંપરા (ETV Bharat Gujarat)

ફટાકડા ફોડીને ગાયોને ઉશ્કેરવામાં આવે છે
સવારે 10 વાગે ગામની વિવિધ કોમના આગેવાનો ભેગા થઈને નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે. જેને ગામેરું કહેવામાં આવે છે. જેને આજકાલ ડાયરો પણ કહેવામાં આવે છે. અહીં આવી લોકો પોતાની રસપ્રદ વાતો અને ગ્રામ વિકાસ માટેના મંતવ્યો રજૂ કરે છે. ત્યાર બાદ ડાયરાનો વિશાળ સમૂહ વાગતા ઢોલે ગામના ચોરામાંથી ગામના પાદરે આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે. સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે.

ગામના વડીલોના જણાવ્યા અનુસાર એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ભાવિક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો અને મળવાનો સિલસિલો શરુ થાય છે, જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.

આ પણ વાંચો:

  1. પ્રભાસ તીર્થમાં વિક્રમ સંવતના નવા વર્ષે સોમનાથ મહાદેવના દર્શન, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
  2. રાજકોટ BAPS મંદિરમાં 1500 વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો, દેશ-વિદેશથી દર્શન માટે પહોંચ્યા હરિભક્તો

ABOUT THE AUTHOR

...view details