સુરત :સુરત શહેરની એક સાંકળી શેરી, જેનું નામ કાછિયા શેરી છે, પરંતુ સુરત શહેરના લોકો તેને પ્રેમ ગલી તરીકે ઓળખે છે. જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ શેરીમાં પેઢી દર પેઢીથી રહેતા લોકો એક જ સમાજના હોવાથી એકબીજા સાથે લગ્ન કરે છે. અત્યાર સુધીમાં 70 જેટલા દંપતીનું સાસરુ અને પિયર બંને આ એક જ ગલીમાં છે. ઉપરાંત આ ગલીમાં રહેતા પરિવારમાં થયેલા 90 ટકા લગ્ન તો પ્રેમ લગ્ન છે.
સુરતની પ્રેમ ગલી :સુરત શહેરમાં આવેલ કાછીયા શેરીની વાત કરતાં "ગામમાં પિયરિયું અને ગામમાં સાસરિયું" લોક કહેવત યાદ આવી જાય છે. તમે વિચારતા હશો કે શા માટે આ કહેવત આ શેરી માટે લોકો વાપરતા હશે. અમે તમને જણાવી દઈએ કે આ શેરીમાં રહેતા 70 જેટલા દંપતીએ એક જ શેરીમાં લગ્ન કર્યા છે. આ શેરીમાં કાછીયા કણબી સમાજના લોકો આવીને વસ્યા હતા. પેઢીઓથી આ શેરીમાં રહેતા લોકો વચ્ચે ખાસ સંબંધ છે. 70 જેટલા પરિવારો વચ્ચે જ્યારે ખાસ સંબંધની વાત કરવામાં આવે તો આ લોકોના સાસરું અને પિયરના સરનામાં એક જ છે.
સાસરીયા-પિયરનું સરનામું સરખું :70 જેટલા પરિવારો વચ્ચે આ ખાસ સંબંધની વાત કરવામાં આવે તો અહીં છ પેઢીઓથી લગ્ન કરવાની પરંપરા છે. શેરીમાં રહેતા વડીલો દ્વારા યુવા પેઢીને લગ્ન કરવાની અનુમતિ આપવામાં આવે છે. આ શેરીની મહત્વપૂર્ણ વાત એ છે કે આ શેરીમાં રહેનાર યુવક-યુવતીઓ પ્રેમ લગ્ન આ જ શેરીમાં કરે છે. તેની અનુમતિ પણ શેરીના વડીલો દ્વારા આપવામાં આવતી હોય છે. સૌથી અગત્યની વાત આ પણ છે કે અહીં 90 ટકા પ્રેમ લગ્ન થયા છે પરંતુ આજ દિન સુધી કોઈના છૂટાછેડા થયા નથી.
કાછીયા શેરની સફળ પ્રેમકથા : કાછીયા શેરીમાં રહેનાર કૌશિકાબેન અનિલભાઈ પટેલે જણાવ્યું કે, હું જે શેરીમાં રહું છું તેને પ્રેમ ગલી તરીકે ઓળખાય છે. અમારા સમાજના 90 ટકા લોકો આ શેરીમાં રહે છે, તેમનું પિયર અને સાસરું સામેસામે છે. ખાલી દસ પગથિયાં ચાલુ તો સાસરુ આવી જાય છે. પિયર વાળા બૂમ પાડે તો ત્યાં પણ જતી રહું છું અને સાસરાવાળા બોલાવે તો ત્યાં પણ જતી રહું છું. મોટાભાગના લોકો અમારી જ્ઞાતિના છે અને પ્રેમ લગ્ન કરે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે કે અહીં રહેનાર લોકો એકબીજાના પરિચિત હોય છે અને એક જ સમાજના હોય છે. મેં પણ પ્રેમ લગ્ન કર્યા છે. પહેલા સાસરેથી ના પાડતા હતા, પરંતુ ત્યારબાદ તેઓ તૈયાર થઈ ગયા.
મેરે સામને વાલી ખીડકી મેં... : કાછીયા શેરીમાં રહેનાર અન્ય મહિલા ચંદ્રીકાબેને જણાવ્યું કે, સાસરિયા અને પિયરમાં માત્ર એક નાની ગલીનું અંતર છે. મારા લગ્નને 28 વર્ષ થઈ ગયા છે. અમે પ્રેમ લગ્ન કર્યા છે. એમનું ઘર પાછળ જ છે. તેઓ ટેરેસ પર વાંચવા બેસતા હતા ત્યારે તેમને જોયેલા હતા. ત્યારે હું પણ લોબીમાં ભણતી હતી. એકબીજાને જોયા પછી મિત્રતા થઈ અને ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયો.
- Surat News: પ્રભુ શ્રી રામનો અયોધ્યા પરત ફરવાના પ્રસંગની કલાકૃતિ મ્યૂરલ આર્ટમાં તૈયાર કરાઈ
- Surat News : રામ મંદિર, શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની છબીઓ 400 વર્ષ સુધી અસ્તિત્વમાં રહેશે, બની કઇ રીતે જાણો