સુરતઃહજીરા ખાતે આવેલ એલ એન્ડ ટી કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નિલાંજન ચક્રબોરતી દ્વારા હજીરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, કંપનીમાંથી સ્ટીલના પાઈપની ચોરી થઈ છે. જેની કિંમત 5.87 કરોડ રૂપિયા છે. આ ચોરીમાં સામેલ ત્રણ આરોપીની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે. આ આરોપીઓની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તરપ્રદેશ તથા ઉતરાખંડ ખાતે મોકલવામાં આવી હતી.
આ રીતે મળ્યો કાવડયાત્રી બનવાનો આઈડિયાઃ આરોપીઓને શંકા ન જાય આ માટે કાવડયાત્રી બન્યા બંને આરોપીઓ પર વોચ રાખવા માટે હજીરા પોલીસ મથકના કર્મચારીઓ કાવડયાત્રી બન્યા હતા. કારણ કે, આ બંને આરોપી જે જગ્યાએ છુપાયેલા હતા ત્યાં વોચ રાખતી વેળાએ તેઓ તેમની નજરમાં આવી શકતા હતા અને આ બંને આરોપી જે જગ્યાએ રોકાયા હતા ત્યાંથી કાવડયાત્રીઓ પસાર થતા હતા. જેથી પોલીસની બંને ટીમને લાગ્યું કે, કાવડયાત્રી બનીને આ બંને આરોપીઓ ઉપર વોચ રાખી શકાય અને તેમને કોઈ શંકા પણ જશે નહીં. આમ શાર્પ ઓબ્ઝર્વેશન સાથે કાવડયાત્રી બની આરોપીઓને ઝડપી શકાશે તેવો આઈડિયા મળ્યો અને તેને અખત્યાર કરતા સફળતા પણ મળી.