સુરત :પલસાણા તાલુકાના તુંડી ગામે નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ ફાયરિંગ થયાનો બનાવ બન્યો છે. ફાયરિંગની ઘટનામાં ચાર લોકો ઘાયલ પણ થયા છે, આ મામલે ઈજાગ્રસ્ત થયેલા મહિલાએ પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ક્રિકેટ રમવાની ના પાડતા થઈ બોલાચાલી :આ અંગે ઈજાગ્રસ્ત યુવકની માતાએ પરસાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા માયાબેન જીતેશગિરિ ગોસાઈના પુત્ર સ્વયમને દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસસિંગ તોમરે ક્રિકેટ રમવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ વિકાસસિંગે સ્વયમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
સુરતમાં નજીવી બાબતે લબરમૂછિયા યુવકે કર્યું ફાયરિંગ (ETV Bharat Gujarat) યુવાને નજીવી બાબતે કર્યું ફાયરિંગ :આ પછી ફરિયાદી માયાબેન તેમના પુત્ર અને અન્ય પાડોશીઓ સાથે કિરણભાઈ પ્રકાશભાઈ પાટિલની રિક્ષામાં બેસી વિકાસને સમજાવવા તેના ઘરે ગયા હતા. જ્યાં બોલાચાલી થતા વિકાસ સ્વયમને તમાચો મારવા જતા રીક્ષાવાળા કિરણભાઈ વચ્ચે પડતાં તેમને તમાચો મારી દીધો હતો. બોલાચાલી વધી જતા વિકાસે તેના પિતાની રાઇફલથી ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગમાં ચાર લોકો થયા ઘાયલ :આ ફાયરિંગની ઘટનામાં ફરિયાદી માયાબેનના પેટમાં છરા વાગતા તેમને ગંભીર ઈજા થઈ હતી, તેમજ વિકાસ, તેની બહેન સીતાદેવી અને તેના એક સગા ધિરેન્દ્રને પણ છરા વાગ્યા હતા. ચારેયને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પાંચ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ :માયાબેને વિકાસસિંગ રામનરેશસિંગ તોમર, સુરેન્દ્રસિંગ ઉર્ફે છોટુસિંગ અશોકસિંગ, સીતાદેવી, ધીરેન્દ્ર અને મહેન્દ્રસિંગ અશોકસિંગ સામે પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
- ધાય,ધાય...વાપીમાં બિલ્ડરે કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ, જમીનમાં એન્ટ્રી મામલે બની ઘટના
- સુરતની બેંકમાં આંતરરાજ્ય ગેંગે કરી ચોરી, ફિલ્મી સ્ટાઈલમાં લોકર રૂમમાં બાકોરું પાડ્યું